કચ્છ પૂર્વના અંજાર નજીક આવેલા એક ગામમાં બે વર્ષના માસૂમ આંગળિયાત પુત્ર સાથે સાવકા ૨૫ વર્ષીય પિતા દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ભોગ બનનાર બાળકની ૨૫ વર્ષીય માતા દ્વારા બાળકના સાવકા પિતા વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે પણ આરોપીને ઝડપી પાડ્યો છે.મહિલાના પ્રથમ પતિનું મૃત્યુ થતાં તેણે બે વર્ષ પૂર્વે આરોપી સાથે લગ્ન કર્યા હતા. આગલા પતિથી થયેલા બે સંતાનોને આંગળિયાત તરીકે તે સાથે લાવી હતી. સોમવારના રોજ રાત્રે પોતાના બે વર્ષના પુત્રને પતિ બહાર ફરવા લઈ જવાના બહાને બાઈક પર બેસાડીને ગામના સીમાડે ખેતરમાં લઈ ગયો હતો. અડધી પોણી કલાક સુધી પરત ન ફરતા પત્નીએ પોતાના પતિને ફોન કરતા એક્સિડન્ટ થયું હોવાનું જણાવ્યું હતું. તેમજ થોડીવાર બાદ બાળકને લઈ તે ઘરે પરત ફર્યો હતો. પરંતુ પતિ ઘરે પરત ફર્યો ત્યારે બે વર્ષના પુત્રના ગાલ, હોઠ તેમજ પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી વહેતું હતું. તેમજ બાળક રડતું પણ હતું બીજી તરફ પતિને ઇજા ન પહોંચી હોવાથી કંઈક અજુગતું થયું હોવાની શંકા પત્નીને થઈ હતી.બાળકને અંજાર સરકારી હોસ્પિટલ તેમજ ત્યારબાદ વધુ સારવાર અર્થે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. ત્યારે તબીબો દ્વારા બાળકનું પરીક્ષણ કરતા બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. જેના આધારે પત્નીએ પોતાના જ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે.અંજાર પોલીસ સ્ટેશનના પીઆઇ અજયસિંહ ગોહિલ દ્વારા ન્યુઝ ૧૮ ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, આરોપી છૂટક મજૂરી કામકાજ કરતો હોવાનું સામે આવ્યું છે. તેમજ તેના આ પ્રથમ લગ્ન છે. જ્યારે કે ભોગ બનનારની માતાના આ બીજા લગ્ન છે. બનાવ સંદર્ભે આરોપી દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું છે કે, તેની પત્ની અગાઉ તેના થકી પ્રેગ્નેન્ટ થઈ હતી. પરંતુ તેણે ગર્ભપાત કરાવી લીધો હતો. જે બાબતની જાણ તેને થતાં તે રોષે ભરાયો હતો. આરોપીએ તેની પત્ની પોતાની સાથે લાવેલ બે વર્ષના બાળકના કારણે ગર્ભપાત કરાવ્યો હોવાનો ખાર રાખીને બાળક તેમજ પોતાની પત્ની સાથે બદલો લેવા માટે આ પ્રકારનું દુષ્કૃત્ય આચર્યું હોવાનું જણાવ્યું છે. સમગ્ર મામલે પોલીસે આરોપીને બનાવ સ્થળ ખાતે લઈ જઈ એફએસએલની હાજરીમાં પંચનામા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.









































