રાજુલાના કોવાયા ગામના ખેડૂત પર બે લોકોએ હુમલો કર્યો હતો. આ સમયે ઝપાઝપી દરમિયાન ચેઇન તથા રૂદ્રાક્ષની માળા તૂટી ગયા હતા. બનાવ અંગે અરજણભાઈ બાઘાભાઈ લાખણોત્રા (ઉ.વ.૫૦)એ તેમના જ ગામના ભગવાનભાઈ ટપુભાઈ લાખણોત્રા તથા કાગવદર ગામે રહેતા નકાભાઈ રામભાઈ લાખણોત્રા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, અરજણભાઈ લાખણોત્રા પોતાની કિયા કાર લઈને પોતાના ખેતરથી રાજુલા જઈ રહ્યા હતા. રાજુલા ખાતે દાઢી કરાવીને ઘરે પરત ફરતી વખતે, પંજાબ બેંક પાસે પહોંચતા, એક ક્રેટા કાર (રજી.નં. GJ-૧૪ AP-૮૮૫૦)માં સવાર બે શખ્સોએ તેમને આંતર્યા હતા.આરોપીઓ ભગવાનભાઈ ટપુભાઈ લાખણોત્રા અને નકાભાઈ રામભાઈ લાખણોત્રાએ તેમને ઢીકા-પાટુનો માર માર્યો હતો. તેમાંથી નકાભાઈએ હોકી જેવી વસ્તુ વડે યુવકના માથાના ડાબા કાનના ઉપરના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. આ દરમિયાન, બંને આરોપીઓએ બિભત્સ ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મારામારી દરમિયાન, ફરિયાદીના ગળામાં પહેરેલી રુદ્રાક્ષની માળા તૂટી ગઈ હતી. તેમજ પાંચ તોલાનો સોનાનો ચેઈન, જેમાં સોનાથી મઢેલ એકમુખી રુદ્રાક્ષ હતો, તે પણ ઝપાઝપીમાં તૂટી ગયો અને તેનો ત્રીજો ભાગ ગુમ થઈ ગયો હતો. તેમણે આ ચેઈન આરોપીઓ લઈ ગયા હોવાની શંકા વ્યક્ત કરી હતી. પોલીસે આ સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.એસ. બાંભણીયા વધુ તપાસ કરી રહ્યા છે.






































