શુદ્ધ દેશી ગાયના ઘીના નામે શંકાસ્પદ નકલી ઘીનું વેચાણ થતું હોવાની આશંકા વચ્ચે વડોદરા નજીક પોર જીઆઇડીસી વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે. રમણગામડી ઇન્ડટ્રીઈયલ વિસ્તારમાં આવેલી ચાલીસા ફૂડ્સ કંપનીમાં નકલી ઘી બનાવવામાં આવતું હોવાની ફરિયાદના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પોલીસને સાથે રાખીને તપાસ હાથ ધરી હતી. સ્થળ પરથી ઘીના પેકિંગની સામગ્રી અને આશરે ૧૦ હજાર લિટરની ક્ષમતાનું ટેન્કર મળી આવ્યું હોવાની વિગતો સામે આવી છે.
પ્રાથમિક વિગતો મુજબ, ફેક્ટરીમાં પામોલીન તેલ અને અન્ય ઘટકોના મિશ્રણથી ઘી જેવું ઉત્પાદન તૈયાર કરવામાં આવતું હોવાની આશંકા છે. આ ઉત્પાદનને શુદ્ધ દેશી ગાયના ઘી તરીકે રજૂ કરીને બજારમાં વેચવામાં આવતું હતું કે કેમ, તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.ફેક્ટરીમાં ઘીના પેકિંગ માટેની સામગ્રી મળી આવતાં અલગ-અલગ બ્રાન્ડના નામે આ ઉત્પાદન બજારમાં વેચાતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, કઈ બ્રાન્ડના નામે અને કેટલા પ્રમાણમાં આ ઉત્પાદનનું વેચાણ થયું હતું, તે અંગેની સત્તાવાર વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે.
આ સમગ્ર મામલે સામાજિક કાર્યકરની ફરિયાદના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પોલીસ સાથે મળીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ ઘીના વિવિધ નમૂના લેવામાં આવ્યા છે. હવે આ નમૂનાઓની તપાસના પરિણામો પરથી ઉત્પાદનની ગુણવત્તા અને તેમાં વપરાયેલા ઘટકો અંગે વધુ સ્પષ્ટતા થશે.
હાલમાં ફેક્ટરીમાંથી મળેલા શંકાસ્પદ ઉત્પાદન, તેની બનાવટની પ્રક્રિયા અને બજારમાં થયેલા વેચાણ અંગે તપાસ ચાલી રહી છે. ઘીના નમૂનાઓના રિપોર્ટ અને વિભાગની આગળની કાર્યવાહી બાદ આ મામલે વધુ વિગતો સામે આવી શકે છે.






































