ગુજરાત એટીએસ અને રાજસ્થાન એટીએસને મોટી સફળતા મળી છે. સંયુક્ત ઓપરેશનમાં આંતરરાષ્ટીય ડ્રગ્સ સિન્ડકેટનો પર્દાફાશ કરીને આશરે ૨૫ કરોડ રૂપિયાની કિંમતનું ૫ કિલો મેથામ્ફેટામાઈન જપ્ત કરવામાં આવ્યું છે અને બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
ગુજરાત એટીએસ દ્વારા આંતરરાષ્ટીય ડ્રગ્સ સિન્ડકેટ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન એટીએસજીને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાનના બે ઈસમો સરહદ પારથી નશીલો જથ્થો ભારતમાં લાવી તેની ડિલિવરી કરવા જઈ રહ્યા છે. આ બાતમીના આધારે એસપી કે. સિદ્ધાર્થના માર્ગદર્શન હેઠળ અને ડીવાયએસપી એસ.એલ. ચૌધરીની આગેવાનીમાં એટીએસની ટીમ તૈયાર કરવામાં આવી હતી જેમાં પીઆઇ ડી.ડી. રહેવર, પીએસઆઇ મનીષ પટેલ પીએસઆઇ બી.ડી. વાઘેલા સહિતના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ગુજરાત એટીએસ અને રાજસ્થાન એટીએસની સંયુક્ત ટીમ દ્વારા જેસલમેરથી બનાસકાંઠાને જાડતા નેશનલ હાઈવે-૬૮ પર સઘન નાકાબંધી ગોઠવવામાં આવી હતી. તા. ૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ સાંજે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ ઇકો કારને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી પીળા રંગની થેલી મળી આવી હતી, જેમાં પાંચ પારદર્શક પેકેટમાં નશીલો પદાર્થ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ પદાર્થ મેથામ્ફેટામાઈન હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આશરે ૨૫ કરોડ રૂપિયાની કિંમતનો ૫ કિલો જથ્થો જપ્ત કરીને આરોપી શંકરરામ રમેશરામ અને સલમાન લાલાખાનની ધરપકડ કરી હતી.
આ મામલે રાજસ્થાનના બાડમેર જિલ્લાના સદર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ ૮, ૨૧, ૨૨, ૨૩, ૨૫, ૨૮ અને ૨૯ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું છે કે આ નશીલો જથ્થો પાકિસ્તાનના થારપારકર વિસ્તારમાંથી સ્મગલિંગ મારફતે ભારતમાં લાવવામાં આવ્યો હતો અને બાડમેર જિલ્લામાં ડ્રોપ કરવામાં આવ્યો હતો, જ્યાંથી આરોપીઓએ તેને મેળવી આગળ સપ્લાય કરવાનો પ્લાન બનાવ્યો હતો.
આ અંગે ગુજરાત એટીએસના એસપી કે. સિદ્ધાર્થએ જણાવ્યું હતું કે, ગુજરાત એટીએસ દ્વારા આંતરરાષ્ટીય સ્તરે ચાલી રહેલા ડ્રગ્સ નેટવર્ક સામે કડક કાર્યવાહી ચાલુ છે. મળેલા ડિજિટલ પુરાવાના આધારે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.આરોપીઓના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટ, કોલ રેકોડીંગ અને વિડિયો જેવા મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવા પણ મળી આવ્યા છે, જે તપાસમાં મહત્વની કડી સાબિત થઈ શકે છે.
ગુજરાત એટીએસ ની આ કાર્યવાહી આંતરરાજ્ય અને આંતરરાષ્ટીય સ્તરે ચાલી રહેલા ડ્રગ્સ રેકેટ સામે એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. હાલ સમગ્ર નેટવર્ક અને અન્ય સંડોવાયેલા આરોપીઓ અંગે વધુ તપાસ ચાલુ છે.






































