સુરત ખાતે આયોજિત પાટીદાર સમાજના ‘સમાધાન પંચ’ના કાર્યક્રમમાં સામાજિક અગ્રણી મથુર સવાણીનું એક નિવેદન હાલ સમગ્ર સમાજમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. પદ્મશ્રી મથુર સવાણીએ પાટીદાર સમાજમાં કન્યાઓની ઘટ અને અપરિણીત યુવાનોની સમસ્યા અંગે યુવાનોને એક સલાહ આપી છે. તેમણે પોતાના નિવેદનમાં લગ્નની ઉંમર વટાવી ચૂકેલા અપરિણીત યુવકોને પોતાનું નામ વાંઢાઓના લિસ્ટમાંથી કાઢીને અટલ બિહારી વાજપેયી, રાહુલ ગાંધી અને શક્તિસિંહ ગોહિલની જેમ દેશ સેવામાં જોડાઈ જવાનો સલાહ આપી છે
મથુર સવાણીએ કુવારા યુવકોને સંબોધતા જણાવ્યું હતું કે, ૪૦ વર્ષની ઉંમર વટાવ્યા બાદ પણ લગ્નની રાહ જોઈને બેસી રહેવાને બદલે યુવાનોએ દેશ અને સમાજની સેવામાં સમર્પિત થઈ જવું જોઈએ. તેમણે ટોણો મારતા જણાવ્યું હતું કે યુવકોએ ‘વાંઢા’ શબ્દની ઓળખ કે લિસ્ટમાંથી બહાર નીકળીને રાષ્ટ્રનિર્માણના કાર્યો સ્વીકારવા જોઈએ. અપરિણીત રહીને પણ સમાજ અને દેશ માટે ઘણું મોટું અને શ્રેષ્ઠ યોગદાન આપી શકાય છે.
પોતાની વાતને મજબૂતાઈથી રજૂ કરતા મથુર સવાણીએ દેશના મહાન નેતાઓનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયી અને કાંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “અટલ બિહારી વાજપેયી બનો, રાહુલ ગાંધી બનો.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે લગ્ન ન થાય તો નિરાશ થવાને બદલે આ નેતાઓની જેમ દેશ અને સમાજ સેવાને જ જીવનનું લક્ષ્ય બનાવી લેવું જોઈએ.
પોતાના નિવેદનમાં મથુર સવાણીએ ગુજરાતમાં ઘટતા જતાં સ્ત્રી-પુરુષ જાતિ ગુણોત્તર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતમાં છોકરાઓની સરખામણીએ અંદાજે ૧૪ લાખ જેટલી દીકરીઓ ઓછી છે. આ સામાજિક અસમતુલાના કારણે જ આજે અનેક યુવકો સમયસર લગ્ન કરી શકતા નથી અને લગ્ન કરવા માટે મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
લગ્નના પ્રશ્નો અને સામાજિક વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને મથુર સવાણીએ પરિવારોને પણ પોતાનો દ્રષ્ટિકોણ બદલવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે લગ્નના પ્રશ્ને માત્ર પરંપરાગત માનસિકતા પકડી રાખવાને બદલે પરિવારોએ સમય અનુસાર વ્યવહારુ અભિગમ અપનાવવો અત્યંત જરૂરી છે. મથુર સવાણીના આ નિવેદન બાદ પાટીદાર સમાજ સહિત સમગ્ર રાજ્યમાં લગ્ન વ્યવસ્થા, સામાજિક અસમતુલા અને અપરિણીત યુવકોના ભવિષ્ય અંગે ચર્ચાઓનો નવી ચર્ચાઓ શરૂ થઈ છે.