કચ્છના ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક પાસે કાળજું કંપાવી દેનારો ગમખ્વાર અકસ્માત થયો છે. મોડી રાત્રે પોલીસ ચેકપોસ્ટથી આરી પાર્ક તરફ જવાના માર્ગ પર પૂરપાટ ઝડપે આવી રહેલા કામદારોથી ભરેલી બોલેરો ગાડીને ભારી ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ૭ શ્રમિકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, કચ્છના ખાવડા નજીક આરી પાર્ક તરફ જવાના માર્ગ પર આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતગ્રસ્ત બોલેરો ગાડીમાં ૧૫થી વધુ શ્રમિકો સવાર થઈને કામ પરથી પરત ફરી રહ્યા હતા અથવા અન્ય સ્થળે જઈ રહ્યા હોવાનું અનુમાન છે. આ દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલા ભારી ટ્રકે બોલેરોને એવી ભયાનક ટક્કર મારી હતી કે ગાડીનો કૂચડો વળી ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરોમાં સવાર શ્રમિકોમાં ચીસાચીસ મચી ગઈ હતી અને વાતાવરણ ગમગીન બની ગયું હતું.
આ ભયાનક ટક્કરને કારણે ઘટના સ્થળે જ લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. અકસ્માતનો ભારે આક્રંદ અને ઈજાગ્રસ્તોની ચીસાચીસ સાંભળીને આસપાસના લોકો તથા અન્ય વાહનચાલકો તુરંત જ મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહમત ઉઠાવીને ગાડીમાં ફસાયેલા કામદારોને બહાર કાઢ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
નોંધનીય છે કે, ખાવડા ઇઈ પાર્ક વિસ્તારમાં આ પ્રકારનો સર્જાયેલો આ પ્રથમ અને સૌથી મોટો ભયાનક અકસ્માત હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત્રે ઘટેલી આ કરુણ દુર્ઘટનાને પગલે સમગ્ર કચ્છ અને ખાવડા વિસ્તારમાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે.
દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા મૃતદેહોને પ્રથમ ખાવડા ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આગળની વિધિ તથા પોસ્ટમોર્ટમ માટે ભુજ મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા સઘન તપાસ શરૂ કરી છે.