હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ ફરી વધી રહ્યો હોય તેવું લાગે છે. વિશ્વના મુખ્ય ઉર્જા પુરવઠા માર્ગમાં વધતા તણાવને કારણે સોમવારે ક્રૂડ ઓઇલના ભાવમાં ફરીથી તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. સોમવારે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ૯૦ ને વટાવી ગયા. કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયાએ સમજાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ વધતા ભૂ-રાજકીય તણાવે સપ્લાય-રિસ્ક પ્રીમિયમમાં વધારો કર્યો છે, જે ક્રૂડ ઓઇલના ભાવ પર સીધી અસર કરી રહ્યો છે.
અજય કેડિયાના જણાવ્યા મુજબ, યુએસ સૈન્યએ ઈરાની રોકેટ લોન્ચર્સને નિશાન બનાવ્યા હતા જે દરિયાઈ માર્ગોમાં ખાણો નાખવાની તૈયારી કરી રહ્યા હતા. એક મહિનાથી વધુ સમયમાં આ પ્રકારનો આ પહેલો હુમલો હતો. યુએસ સૈન્યએ જણાવ્યું હતું કે તેઓ હોર્મુઝ સ્ટ્રેટ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને વાણિજ્યક શિપિંગને સુરક્ષિત રાખવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. વધતા તણાવ છતાં, વોશિંગ્ટન-તેહરાન શાંતિ કરાર વિના પણ, દરરોજ આશરે ૬ થી ૮ મિલિયન બેરલ ક્રૂડ તેલ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે.
જુલાઈના અંતમાં ઈરાની ઠેકાણાઓ પર મિસાઈલ છોડ્યા પછી, યુએસ ઈરાનને વાટાઘાટો માટે દબાણ કરવા માટે સતત પ્રતિબંધોનો આશરો લઈ રહ્યું છે. દરમિયાન, એક ઈરાની અધિકારીએ જણાવ્યું હતું કે કતાર સાથે સકારાત્મક વાટાઘાટો પછી યુએસ સાથે રાજદ્વારી સંબંધો ફરી શરૂ કરવા “અશક્ય નથી”, જેનાથી તણાવ ઓછો થવાની આશા જાગી છે.ઓઇલ પ્રાઇઝ ડોટ કોમ અનુસાર,ડબ્લ્યુટીઆઇ ક્રૂડના ભાવ સોમવારે ભારતીય સમય મુજબ સવારે ૧૧:૩૦ વાગ્યે ૨.૬૫ ટકા વધીને ૮૫.૬૧ પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યા હતા. વધુમાં, બ્રેન્ટ ક્રૂડના ભાવ ૨.૭૯ ટકા વધીને ૯૦.૫૬ પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યા હતા, અને મુર્બન ક્રૂડના ભાવ પણ ૪.૦૪ ટકા વધીને ઇં૯૫.૭૫ પ્રતિ બેરલ પર પહોંચ્યા હતા. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે આજે સ્થાનિક શેરબજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.