શહેરનાં ગરીબ અને નિમ્ન મધ્યમવર્ગનાં બાળકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે મ્યુનિસિપલ શાળાઓનાં સંચાલન કરતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ(સ્કૂલબોર્ડ)નાં ૧૨ સભ્યોની ચૂંટણી માટે શાસક ભાજપ તરફથી ૧૨ ઉમેદવારોનાં અને કોંગ્રેસ તરફથી એક ઉમેદવારનું ફોર્મ આજે ભરવામાં આવ્યું હતું. જાકે પ્રાપ્ત માહિતી અનુસાર, સ્કૂલ બોર્ડના નવા ચેરમેન તરીકે ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તાર અંતર્ગત બોપલ વિસ્તારના કાર્યકર પ્રજ્ઞેશભાઇ પટેલ તથા વાઇસ ચેરમેન તરીકે ઠક્કરબાપાનગર વિધાનસભા મતવિસ્તારનાં કાર્યકર અંકિતભાઈ રાઠોડનાં નામ ફાઇનલ છે.
મ્યુનિ. સ્કૂલ બોર્ડનાં જૂના બોર્ડની મુદત પૂરી થતી હોવાથી નવા સભ્યોની વરણી માટે ચૂંટણી યોજવામાં આવનાર છે, જેના માટે ભાજપનાં ૧૨ સભ્યો તથા કોંગ્રેસનાં એક સભ્યનાં ઉમેદવારી ફોર્મ મેયર હિતેશભાઇ બારોટે સ્વીકાર્યા હતા. ત્યારબાદ મેયર હિતેશભાઇ બારોટે જણાવ્યું હતું કે, સ્કૂલ બોર્ડમાં અનુસૂચિત જાતિ અને જનજાતિની કેટેગરીમાં એક બેઠક માટે એક ફોર્મ આવ્યું છે, જ્યારે મેટ્રિકયુંલેશન અથવા ઉચ્ચ શૈક્ષણિક લાયકાતની ત્રણ બેઠક માટે ત્રણ ઉમેદવારીપત્ર રજૂ થયાં છે. જ્યારે સામાન્ય આઠ બેઠક માટે નવ ઉમેદવારી ફોર્મ ભરાયા છે.
તેમણે વધુ વિગતો આપતાં કહ્યું કે, સ્કૂલ બોર્ડનાં સભ્યોની ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારોનાં ફોર્મની ચકાસણી ૧૭મી ઓગસ્ટનાં રોજ કરવામાં આવશે અને ત્યારબાદ ૨૫મી ઓગસ્ટે પરિણામ જાહેર કરવામાં આવશે. જાકે મ્યુનિ.માં અને સરકારમાં ભાજપની બહુમતી હોવાથી સ્કૂલ બોર્ડના ૧૨ સભ્યો પૈકી ૧૧ સભ્યો ભાજપના રહેશે અને કોંગ્રેસના કોર્પોરેટરોની સંખ્યા પ્રમાણે સ્કૂલ બોર્ડમાં એક સભ્ય કોંગ્રેસના રહેશે. ૨૫મીએ પરિણામ જાહેર થયાં બાદ નવા બોર્ડની રચના માટે બેઠક બોલાવવામાં આવશે અને તેમાં સભ્યો દ્વારા ચેરમેન તથા ડે.ચેરમેનની વરણી કરવામાં આવશે, ત્યારબાદ સ્કૂલ બોર્ડની નવી ટર્મ શરૂ થશે.
મેયર હિતેશભાઇ બારોટ તથા સ્ટે.કમિટી ચેરમેન કમલેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, સ્કૂલ બોર્ડમાં અગાઉ ચેરમેન તરીકે ડો.સુજય મહેતાનો કાર્યકાળ નિર્વિવાદ અને ગરીબ બાળકોને શિક્ષણ પરત્વે પ્રોત્સાહિત કરવાનો રહ્યો છે. જાકે શહેર ભાજપના સૂત્રોએ સ્કૂલ બોર્ડનાં સભ્યો તરીકે મનપસંદ કાર્યકરોને ગોઠવવામાં આવ્યા હોવાનું સ્વીકારતા કહ્યું કે, બે પૂર્વ મહિલા કોર્પોરેટરોનાં ફોર્મ ભરાવાયા તેમજ બે સભ્યોને રિપીટ કરવામાં આવ્યા તે દર્શાવે છે કે, વ્હાલાંદવલાંની નીતિ જ કામ કરી ગઇ છે.
મ્યુનિ. સ્કૂલ બોર્ડમાં પ્રોરેટા મુજબ એક સભ્યને સ્થાન મળી શકે તેમ હોવાથી શહેર કોંગ્રેસનાં સંખ્યાબંધ કાર્યકરો પોતપોતાની રીતે સ્કૂલ બોર્ડ મેમ્બર બનવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. તેમાંય એજ્યુકેશન સાથે સંકળાયેલાં યુવા કાર્યકરોને ખાસ રસ હતો, પરંતુ પ્રદેશ નેતાગીરીએ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલને સ્કૂલ બોર્ડ મેમ્બર તરીકે ફોર્મ ભરાવી દેતાં કાર્યકરોમાં ભારે નારાજગી ફેલાવા પામી હતી અને સોનલબેન શહેર પ્રમુખ હોવા છતાં તેમને સ્કૂલબોર્ડમાં મેમ્બર તરીકે મુકવા પાછળનાં કારણો શું તે અંગે જાતજાતની ચર્ચા કાર્યકરોમાં ચાલી હતી. મ્યુનિ. સ્કૂલબોર્ડમાં સભ્ય બનવા થનગનતા કાર્યકરોમાં પ્રજ્ઞેશભાઇ પટેલ (ભાજપ) બી.કોમ,અંકિત રાઠોડ (ભાજપ) બી.એ, બી.એડ.,નવીન પટેલ (ભાજપ) બી.એ, બી.એડ.,નિલય શુક્લ (ભાજપ) એમ.કોમ, એલએલબી,પીએચડી,લીલાધર ખડકે (ભાજપ) ટી.વાય.બી.એ, એમ.એ, પાર્થ ત્રિવેદી (ભાજપ) ડિપ્લોમા એન્જીનિયરીંગ,નિક્કીબેન શાહ (ભાજપ)ધો.૧૦ પાસ, રંજનબેન મસિયાવા (ભાજપ) ધો.૮ પાસ,ચંદ્રદીપસિંહ વાઘેલા (ભાજપ) બી.કોમ,







































