સાવરકુંડલામાં સુગમ વાહન વ્યવહાર જળવાઈ રહે અને માર્ગ અકસ્માતો અટકે તે માટે ટાઉન પોલીસ દ્વારા મુખ્ય માર્ગો ઉપર ખાસ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. પી.આઈ. કે.બી. સોલંકી અને પી.એસ.આઈ. એચ.એમ. અગ્રાવતના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ, ટ્રાફિક બ્રિગેડ તથા હોમગાર્ડના જવાનોએ  સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. ડ્રાઇવ દરમિયાન વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા, હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ કરવા તેમજ વાહનો યોગ્ય જગ્યાએ પાર્ક કરવા અંગે સમજણ આપવામાં આવી હતી. વાહનચાલકો પાસે જરૂરી દસ્તાવેજો છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી હતી. નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, આ ઝુંબેશનો હેતુ માત્ર દંડ વસૂલવાનો નહીં પરંતુ નાગરિકોમાં ટ્રાફિક શિસ્ત કેળવવાનો છે. આગામી સમયમાં પણ આવી ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે.