સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે સંયુક્ત પરિવારમાં રહેવા બાબતે ચાલી રહેલા વિખવાદમાં એક પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી હતી. પ્રેમલગ્ન કર્યા બાદ પતિ પોતાના માતા-પિતા સાથે સંબંધ રાખે તે પત્નીને પસંદ ન પડતા આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. મળતી માહિતી મુજબ, ગાધકડા ગામના ગોપાલભાઇ જયસુખભાઇ દાદરેસા (ઉ.વ.૨૩)એ પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેની પત્ની હેતલબેન ગોપાલભાઇ દાદરેસા (ઉ.વ.૨૩) ને પોતાના સાસુ-સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહેવું પસંદ નહોતું. પત્નીની સતત જીદને કારણે આ દંપતી છેલ્લા પંદરેક દિવસથી પોતાના માતા-પિતાથી અલગ રહેવા ચાલ્યું ગયું હતું. અલગ રહેવા ગયા હોવા છતાં, યુવક પોતાના માતા-પિતાની મુલાકાતે અવારનવાર જતો હતો અને તેમની સાથે સંબંધ રાખતો હતો.
પતિ પોતાના ઘરે જતો હોય તે પત્નીને ગમતું નહોતું, જેને પગલે દંપતી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઉગ્ર બોલાચાલી અને મનદુઃખ ચાલતું હતું. ઘટનાના દિવસે જ્યારે મકાનમાં કોઈ હાજર નહોતું, ત્યારે પત્નીને આ બાબતે મનમાં ખૂબ જ લાગી આવ્યું હતું. આવેશમાં આવીને તેણે પોતાના રહેણાંક મકાનમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સમયસર જાણ થઈ જતાં પરિણીતાને બચાવી લેવાઈ હતી અને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
પ્રેમલગ્ન બાદ શરૂ થયેલા પારિવારિક કંકાસે એક પરિણીતાને મરવા મજબૂર કરી દેતા ગામમાં ચકચાર મચી ગઈ હતી.