ઉત્તર પ્રદેશમાં શુક્રવારે યોજાનારી એમએલસી ચૂંટણી માટે આગ્રાના ત્રણ બૂથ પર ફરીથી મતદાન થશે. આગ્રા ટીચર્સ મતવિસ્તારના રિટ‹નગ ઓફિસરે ત્રણ બૂથ પર ફરીથી મતદાન કરવાની ભલામણ કરી હતી. આ પ્રસ્તાવ ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવા દ્વારા ભારતના ચૂંટણી પંચને મોકલવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં આગ્રાના ખેરાગઢ, ફતેહાબાદ અને સૈયામાં ફરીથી મતદાન કરવાની ભલામણ કરવામાં આવી છે. ફરીથી મતદાનની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવાએ જણાવ્યું હતું કે ત્યાં સપા ઉમેદવાર આકાશ અગ્રવાલનો એક વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ તેમણે આગ્રાના અધિકારીઓ સાથે વાત કરી હતી.
આગ્રા ડિવિઝન શિક્ષક એમએલસી ચૂંટણીમાં બૂથ નંબર ૨૦, ૨૧ અને ૨૬ પર ફરીથી મતદાન કરવાની ભલામણ કરવામાં આવી હતી. ભારતીય ચૂંટણી પંચને ફરીથી મતદાનનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. આ ભલામણના આધારે, ફરીથી મતદાનનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ત્રણ બૂથ પર ફરીથી મતદાન થશેઃ
બૂથ નંબર ૨૦ ખેરાગઢ તહસીલ સંકુલના રૂમ નંબર ૧ માં મતદાન મથક.
બૂથ નંબર ૨૧ સૈયા ક્ષેત્ર પંચાયત કાર્યાલયના રૂમ નંબર ૧ માં મતદાન મથક.
બૂથ નંબર ૨૬ ફતેહાબાદ ક્ષેત્ર પંચાયત કાર્યાલયના રૂમ નંબર ૧ માં મતદાન મથક.
સપા ઉમેદવાર ડો. આકાશ અગ્રવાલ ચૂંટણી અધિકારી પાસે ફરિયાદ નોંધાવવા માટે ડિવિઝનલ હેડક્વાર્ટર ગયા હતા. અગ્રવાલ બૂથ કેપ્ચરિંગનો આરોપ લગાવ્યો હતો. ડિવિઝનલ કમિશનર નાગેન્દ્ર પ્રતાપ સાથે મુલાકાત કર્યા બાદ, તેઓ મીડિયા સામે રડી પડ્યા. તેમણે કહ્યું, “શું મને ચૂંટણી લડવાનો કોઈ અધિકાર નથી? મને એટલી હદે નિશાન બનાવવામાં આવી રહ્યું છે કે પોલીસ મારા પર ડ્રગ્સ કે હથિયારો રાખવાનો ખોટો આરોપ લગાવી શકે છે અને મને જેલમાં નાખી શકે છે, મને પાકિસ્તાની ગણાવી શકે છે.”
વહીવટી પ્રતિભાવથી હતાશ થઈને,એમએલસી ડા. આકાશ અગ્રવાલ ભાવુક થઈ ગયા. રડતા રડતા અગ્રવાલે જાહેર કર્યું, “હું સનાતન ધર્મમાં રહેવા માંગતો નથી. હું ધર્મ પરિવર્તન કરીશ.” તેમણે બૌદ્ધ ધર્મ અપનાવવાનો સંકેત આપ્યો. અગ્રવાલે જાહેર કર્યું, “હું એમએલસી બનવા માંગતો નથી. સરકાર મારા અધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે.” તેમણે સરકાર પર લોકશાહીની મજાક ઉડાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, “મને અને મારા પરિવારને, મારા સહાયક શિક્ષકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. જો સરકાર ઈચ્છે તો, સરકાર મને જેલમાં નાખી શકે છે.” સપા ઉમેદવાર આકાશ અગ્રવાલની ફરિયાદના આધારે ચૂંટણી અધિકારીએ તપાસનો આદેશ આપ્યો. એ નોંધનીય છે કે ગઈકાલની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ અનેક વિસ્તારોમાં ગોટાળાનો આરોપ લગાવ્યો હતો.