અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દેવળા ગામે લગ્નના બહાને છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. ભેજાબાજ ટોળકીએ યુવકને લગ્ન કરાવવાની અને સાથે મકાન-ગાડી આપવાની લાલચ આપી કુલ રૂ.૮,૦૩,૬૦૦ પડાવી લીધા હતા. અશોકભાઇ બાલુભાઇ વસોયા (ઉ.વ.૪૮)એ રવિ શર્મા મોબાઇલ નંબર ૯૯૯૨૦૩૭૫૬૧ ના ધારક, વિજય પ્રકાશ મોબાઇલ નંબર ૮૧૦૭૯૪૭૫૬૯ ના ધારક તથા પુજા મોબાઇલ નંબર ૮૮૨૪૩૬૭૮૭૭ ના ધારક સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, તેમનો સંપર્ક રવિ શર્મા, વિજય પ્રકાશ અને પૂજા નામની વ્યક્તિઓએ (મોબાઈલ નંબરો સાથે) કર્યો હતો. આ ટોળકીએ તેઓ તેના લગ્ન પૂજા સાથે કરાવી આપશે તેમ કહ્યું હતું. એટલું જ નહીં, લગ્નની સાથે-સાથે પ્લોટ, મકાન અને ફોર-વ્હીલર ગાડી પણ અપાવવાની મોટી લાલચો આપવામાં આવી હતી. ઠગબાજોએ ફરિયાદીનો વિશ્વાસ જીતી તેની પાસે અલગ-અલગ બેંકોમાં ખાતા ખોલાવ્યા હતા. ત્યારબાદ, લગ્ન અને મિલકતની પ્રક્રિયાના બહાને ફરિયાદી પાસે અલગ-અલગ તારીખોએ આ ખાતાઓમાં નાણાં જમા કરાવડાવ્યા હતા. જ્યારે ફરિયાદીએ વિશ્વાસ રાખીને પોતાના જ ખાતાઓમાં કુલ રૂ.૮,૦૩,૬૦૦ જમા કરાવ્યા, ત્યારે આરોપીઓએ આ તમામ રકમ ઉપાડી લીધી હતી. લાંબો સમય વીતવા છતાં ન તો લગ્ન થયા કે ન તો કોઈ મિલકત મળી, ત્યારે યુવકને પોતાની સાથે ઓનલાઇન વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થયો હતો. ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ કે.બી. જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.








































