કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આ દિવસોમાં હુમલાના મોડમાં છે. તેઓ કેન્દ્ર સરકાર પર ઉગ્ર પ્રહારો કરી રહ્યા છે. રાહુલ ગાંધી યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના વેપાર કરાર અંગે પણ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કહ્યું હતું કે મુક્ત વેપાર કરાર અને વેપાર કરારોમાં ખેડૂતો અને માછીમારોના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરવામાં આવ્યું છે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર “જૂઠું બોલીને” લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે.
પુડુચેરીના કરાઈકલમાં ભારતીય જનતા પાર્ટીની એક વિશાળ રેલીને સંબોધતા શાહે આરોપ લગાવ્યો હતો કે લોકસભામાં વિરોધ પક્ષના નેતા ગાંધીએ “રોજ જૂઠું બોલવાની એક નવી પરંપરા શરૂ કરી છે.” તેમણે કહ્યું, “જૂઠું બોલવું, મોટેથી જૂઠું બોલવું અને તેનું પુનરાવર્તન કરવું એ રાહુલ ગાંધીની નીતિ છે. પરંતુ લોકોએ તમારી જૂઠાણાની ફેક્ટરીને ઓળખી લીધી છે.”અમિત શાહે કહ્યું કે મુક્ત વેપાર કરાર અને વેપાર કરારોની જાગવાઈઓ, ખાસ કરીને ભારત-અમેરિકા કરારનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો જાઈએ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ખેડૂતો અને માછીમારો માટે “૧૦૦% સુરક્ષા સુનિશ્ચિત” કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે મનમોહન સિંહની આગેવાની હેઠળની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકાર દરમિયાન ખેડૂતોના હિત “વેચાઈ ગયા” હતા. ભાજપના વરિષ્ઠ નેતાએ એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપની આગેવાની હેઠળનું રાષ્ટીય લોકશાહી ગઠબંધન ૨૦૨૯ માં કેન્દ્રમાં સત્તામાં પાછું આવશે.









































