રાજુલા શહેરમાં ધંધાકીય હરીફાઈના કારણે એક વેપારીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી મળ્યાની ઘટના સામે આવી હતી. બનાવ અંગે આરીફભાઇ સલીમભાઇ સેલોત (ઉ.વ.૩૦)એ અરમાનભાઇ અયુબભાઇ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમણે આશરે છ મહિના પહેલાં આરોપીની રૂહાની ચિકન હોટેલની નીચેના ભાગે પોતાની ‘જાયકા’ નામની આમલેટની દુકાન શરૂ કરી હતી. તેમની આમલેટની દુકાન ચાલુ થતાં આરોપીને આ વાત પસંદ નહોતી. જેના કારણે આરોપીએ જાહેરમાં આવીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકી અને અપશબ્દોની ઘટના બાદ ફરિયાદીએ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને પગલે રાજુલાના વેપારી વર્તુળોમાં ચર્ચા જાગી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી એમ વાળા વધુ તપાસ કરી રહ્યા છે.







































