રાજુલા વિભાગીય પોલીસ અને ડુંગર પોલીસ સ્ટેશનની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક નેશનલ હાઇવે-૫૧ પર આવેલા “Ozone Safe Petro MEE My Eco Energy” ફ્યુઅલ સ્ટેશન પર દરોડો પાડ્યો હતો. નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયા અને પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. પલાસના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી કાર્યવાહીમાં કુમારસિંહ પરબતભાઈ સરવૈયા (રહે. મહુવા) દ્વારા જરૂરી મંજૂરી, જી.એસ.ટી. બિલ અને આધાર-પુરાવા વગર કથિત પેટ્રોલિયમ મિશ્રિત જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ અને સંગ્રહ થતો હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ ટેન્કમાંથી અંદાજે ૩,૦૦૦ લીટર શંકાસ્પદ પ્રવાહી મળી આવ્યું હતું. પ્રવાહી ડીઝલ, એલ.ડી.ઓ. કે અન્ય કોઈ કેમિકલ મિશ્રિત છે તે જાણવા માટે તેના નમૂના એફએસએલમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે રૂ. ૨.૬૪ લાખનો જથ્થો જપ્ત કરીને સીલ કરી વધુ તપાસ શરૂ કરી છે.







































