શહેરના બેડીપરા વિસ્તારમાં આવેલી શ્રમજીવી સોસાયટીમાં મોડી રાત્રે જર્જરિત મકાન અચાનક ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડ, ૧૦૮ ઇમરજન્સી સેવા અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, બેડીપરા વિસ્તારમાં રામજી મંદિર ચોક પાસે આવેલું જૂનું અને જર્જરિત મકાન અચાનક ધડાકાભેર તૂટી પડ્યું હતું. મકાનના કાટમાળ નીચે લોકો દટાયા હોવાની આશંકાને પગલે ફાયર વિભાગના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. બચાવ કામગીરી દરમિયાન કાટમાળમાંથી એક વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું.
મૃતકની ઓળખ અજયભાઈ કુરજીભાઈ બેલદાર તરીકે થઈ છે. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. તંત્ર દ્વારા કાટમાળ હટાવવા માટે જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી અને સ્થળને સુરક્ષિત બનાવવા કામગીરી હાથ ધરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે જૂના અને જર્જરિત મકાનો પર જાખમ વધી જાય છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર શહેરમાં જાખમી મકાનોની સ્થિતિ અને આવા બાંધકામો સામે તંત્ર દ્વારા લેવામાં આવતી કાર્યવાહી અંગે સવાલો ઉભા કર્યા છે.