મોરબી મહાનગરપાલિકા દ્વારા વહેલી સવારથી શહેરમાં સૌથી મોટી દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના પંચાસર રોડ પર આવેલા સાવરની પાળ વિસ્તારમાં વર્ષોથી ઉભા કરાયેલા ગેરકાયદેસર કાચા-પાકા દબાણો પર તંત્રએ તવાઈ બોલાવી છે. લાંબા સમય બાદ મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા આટલી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. સાવર તળાવના બ્યુટીફિકેશન પ્રોજેક્ટ માટે આ દબાણો નડતરરૂપ બનતા હોવાથી તંત્ર દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મોરબી મનપાના ડેપ્યુટી મ્યુનિસિપિલ કમિશનર બ્રિજેશ કાલરીયાના જણાવ્યા અનુસાર, સાવર તળાવની આસપાસ વર્ષોથી મોટાપાયે દબાણ ઉભા કરી દેવામાં આવ્યા હતા. અગાઉ પણ અનેક વખત મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ સ્થાનિક વિરોધ અને અન્ય કારણોસર તંત્રને સફળતા મળી નહોતી.
વધુમાં તેમણે એમ પણ કહ્યું કે, મનપા દ્વારા કાયદેસરની નોટિસો આપીને અને પોલીસ તંત્ર સાથે સંકલન કરીને મેગા ડિમોલિશનની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ મનપાના એસ્ટેટ વિભાગની ૬ અલગ-અલગ ટીમો મેદાનમાં ઉતરી છે. આ કાર્યવાહી માટે ૧૦ જેસીબી મશીન, ૪ હિટાચી મશીન, ૧૦ ટ્રેક્ટર અને ૧૫૦ થી વધુ મનપાના કર્મચારીઓનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના અંદાજ મુજબ આ વિસ્તારમાંથી ૧૮૦ જેટલા કાચા-પાકા મકાનો અને ઝૂંપડા દૂર કરીને આશરે ૨૫,૦૦૦ સ્ક્વેર મીટર જેટલી કિંમતી સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવશે.
બ્રિજેશ કાલરીયાએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, સાવર તળાવના બ્યુટીફિકેશન અને વિકાસના કામ માટે આ જગ્યા જરૂરી છે. વર્ષોથી અહીં દબાણો હતા, જેને દૂર કરવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી. નિયમ અનુસારની કાર્યવાહી કરીને દબાણ હટાવવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. મોરબી પોલીસ દ્વારા ૦૪ ડીવાયએસપી, ૦૭ પીઆઇ, ૧૭ પીએસઆઇ સાથે ૨૫૦ જેટલા પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારથી જ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
મોરબીના ડીવાયએસપી જે.એમ. આલના જણાવ્યા અનુસાર, ડિમોલિશનની કામગીરી શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્ત કાયદો હાથમાં ન લે તે માટે તમામ ટીમો સતર્ક છે. હાલમાં તંત્ર દ્વારા કાર્યવાહી ચાલુ છે અને આજે મોટાભાગના દબાણો દૂર કરી દેવામાં આવશે તેવી શક્્યતા છે.
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ આ સૌથી મોટું ડિમોલિશન માનવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી બાદ સાવર તળાવના બ્યુટીફિકેશન પ્રોજેક્ટને વેગ મળશે અને તળાવ ફરતે વોક-વે, ગાર્ડન અને અન્ય વિકાસના કામો હાથ ધરી શકાશે.