મોરબી તાલુકાના રવાપર ગામે આવેલા નાફેડના ગોડાઉનમાંથી મહારાષ્ટ્ર મોકલવા માટે ભરેલી લાખો રૂપિયાની તુવેર બારોબાર વેચી મારવાનું એક સુનિયોજિત કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ મામલે ટ્રક ચાલક સહિતના શખ્સો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો. ગોંડલમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતાં રજનીકાંત મનહરલાલ પંડ્‌યા (ઉ.વ.૬૨) એ બોટાદમાં રહેતા ટ્રક માલિક જયદિપસિંહ ભરતસિંહ પરમાર અને ડ્રાઈવર શીવલાલ ધીરજલાલ વડગામા તથા લાઠીના ભીંગરાડ ગામના સંજયભાઇ આણદાણી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના મોરબીના રવાપર નાફેડ ગોડાઉન ખાતેથી અંદાજે ૩૧.૪ ટન તુવેર ભરીને ટ્રકને મહારાષ્ટ્રના આકોલા ખાતે ખાલી કરવા માટે ભાડે કરવામાં આવ્યો હતો. જોકે, આરોપીઓએ મહારાષ્ટ્ર જવાને બદલે આ માલ અન્યત્ર ડાયવર્ટ કરી દીધો હતો. આરોપીઓએ માલ આકોલામાં ખાલી થઈ ગયો હોવાનું ખોટું લોકેશન મોકલી ફરિયાદીને ગેરમાર્ગે દોર્યા હતા અને ત્યારબાદ પોતાનો ફોન બંધ કરી દીધો હતો. જ્યારે ફરિયાદીએ લાઠી ખાતે આવી તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે આરોપીઓએ કુલ ૩૧.૪ ટન તુવેરમાંથી ૨૦.૩ ટન તુવેર બારોબાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચી દીધી હતી. એક ટનના રૂ.૬૮,૨૧૦ લેખે કુલ રૂ.૧૩,૮૪,૬૬૩ ની મત્તાની છેતરપિંડી આચરવામાં આવી હતી.