અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેન હવે લોકોની જીવનરેખા બની રહી હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં યોજાયેલી આઈપીએલ મેચ દરમિયાન અમદાવાદ મેટ્રોએ મુસાફરોની સંખ્યામાં અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ગુજરાત અને બેંગલુરુ વચ્ચેની રોમાંચક મેચ જાવા માટે ઉમટેલી ભીડને કારણે મેટ્રોમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક ૨.૨૫ લાખ મુસાફરો નોંધાયા છે.
આ સાથે જ મેટ્રોએ પોતાનો અગાઉનો ૨.૨૧ લાખ મુસાફરોનો રેકોર્ડ તોડીને નવો ઇતિહાસ રચ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જવા માટે ક્રિકેટ પ્રેમીઓએ ખાનગી વાહનો કે ટેક્સીને બદલે મેટ્રો ટ્રેનને પ્રથમ પસંદગી આપી હતી. ખાસ કરીને ક્રિકેટ ફીવર અને શહેરના ટ્રાફિકથી બચવા માટે મેટ્રો સૌથી વધુ સુરક્ષિત અને ઝડપી સાધન સાબિત થઈ રહ્યું છે.
આંકડાઓ પર નજર કરીએ તો, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પણ મુસાફરોની સંખ્યામાં સતત વધારો જાવા મળ્યો હતો, પરંતુ આઇપીએલ મેચના દિવસે આ આંકડો સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવામાં મેટ્રો સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે અને લોકોનો આધુનિક પરિવહન સેવા પર વિશ્વાસ વધી રહ્યો છે.