બાંગ્લાદેશ ક્રિકેટમાં એક મુખ્ય યુગનો અંત આવી રહ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના સૌથી અનુભવી ખેલાડીઓમાંના એક મુશફિકુર રહીમે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. ફેબ્રુઆરી ૨૦૨૭ માં મીરપુરમાં ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેચ હશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ ના પ્રમુખ તમીમ ઇકબાલે ૨૮ નવેમ્બરના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની પુષ્ટિ કરી.તમીમે કહ્યું કે મુશફિકુરએ થોડા દિવસ પહેલા તેમને ફોન કરીને તેમના નિર્ણયની જાણ કરી હતી. ત્યારથી બંને સતત સંપર્કમાં હતા. તમીમ ઇચ્છતા હતા કે મુશફિકુર એક પ્રેસ કોન્ફરન્સમાં નિવૃત્તિની જાહેરાત કરે, પરંતુ ખેલાડીની વિનંતી પર, બોર્ડ પ્રમુખે માહિતી જાહેર કરી. મુશફિકુર ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. મે મહિનામાં પાકિસ્તાન સામે સિલહટ ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ, તેણે તેની આગામી ૧૧ ઇનિંગ્સમાં ફક્ત એક જ વાર ૫૦ રનનો આંકડો પાર કર્યો.
મુશફિકુર રહીમે મે ૨૦૦૫ માં લોર્ડ્‌સમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. લગભગ બે દાયકાની કારકિર્દીમાં, તેણે બાંગ્લાદેશ માટે ઘણી યાદગાર ઇનિંગ્સ રમી. તે ૧૦૦ ટેસ્ટ રમનાર દેશના પ્રથમ ક્રિકેટર બન્યા અને ૧૦૦ થી વધુ ટેસ્ટ રમનાર એકમાત્ર બાંગ્લાદેશી ખેલાડી છે.અત્યાર સુધીમાં, મુશફિકરે ૧૦૮ ટેસ્ટમાં ૩૮.૮૦ ની સરેરાશથી ૭૦૬૨ રન બનાવ્યા છે. તે ટેસ્ટ ક્રિકેટમાં ૭,૦૦૦ રનનો આંકડો પાર કરનાર પ્રથમ બાંગ્લાદેશી બેટ્‌સમેન પણ છે. આ ફોર્મેટમાં તેના નામે ત્રણ બેવડી સદી છે. તેણે બાંગ્લાદેશ માટે પ્રથમ ટેસ્ટ બેવડી સદી ફટકારી હતી, જેમાં તેણે ૨૦૧૩માં ગાલેમાં શ્રીલંકા સામે અણનમ ૨૦૦ રન બનાવ્યા હતા. ત્યારબાદ તેણે ૨૦૧૮માં ઝિમ્બાબ્વે સામે અણનમ ૨૧૯ રન બનાવ્યા હતા, જે બાંગ્લાદેશી બેટ્‌સમેન દ્વારા સૌથી વધુ ટેસ્ટ સ્કોર હતો. તેની ત્રીજી બેવડી સદી ૨૦૨૦માં મીરપુરમાં ઝિમ્બાબ્વે સામે આવી હતી.
નોંધનીય છે કે મુશફિકુર પહેલાથી જ ટી ૨૦ અને વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચુક્યો છે. તેણે ૨૦૨૨માં ટી ૨૦ માંથી નિવૃત્તિ લીધી હતી, અને ૨૦૨૫ ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશના ખરાબ પ્રદર્શન બાદ વનડે ક્રિકેટ છોડી દેવાનો નિર્ણય લીધો હતો. હવે, ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેચ હશે.