ભાવનગરના એસટી બસ સ્ટેન્ડના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ભરબપોરે એક યુવતીની હત્યાથી ચકચાર મચી ગઈ છે. અન્ય યુવક સાથે સંબંધ હોવાની શંકાને લઈને યુવતી સાથે રહેતા ફૈઝલ ઉર્ફે ખાટકી રફીકભાઈ લાખાણીએ તેના પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. ગંભીર રીતે ઘવાયેલી યુવતીનું બાદમાં મોત થયું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, ફૈઝલ અને કાજલબેન છેલ્લા કેટલાક વર્ષોથી સાથે રહેતા હતા. બંને ભાવનગરના એસટી બસ સ્ટેન્ડ નજીક ખુલ્લી જગ્યામાં રહેતા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. ગુરુવારે બપોરે બંને વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હતી. આ દરમિયાન ફૈઝલે કાજલબેન પર અન્ય યુવક સાથે સંબંધ હોવાની શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેણે યુવતીને માર માર્યો હોવાનો આરોપ છે.
ફરિયાદમાં કરાયેલા આક્ષેપ મુજબ, આરોપીએ યુવતીને લાતો મારી હતી અને તેના વાળ પકડીને જમીન પર પટકી હતી. માથામાં ગંભીર ઈજા થતાં યુવતી લોહીલુહાણ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. ગંભીર હાલતમાં યુવતીને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ તેનું મૃત્યુ થયું હતું.
પોલીસ ફરિયાદમાં આરોપી ફૈઝલ અગાઉ જેલમાં જઈ ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું છે. તાજેતરમાં જ તે જેલમાંથી બહાર આવ્યો હતો અને ત્યારબાદ આ હત્યાની ઘટના બની હોવાનો પોલીસનો દાવો છે. ઘટનાની જાણ થતાં નિલમબાગ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને હત્યા સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હવે પોલીસ ઘટનાસ્થળે હાજર લોકોના નિવેદનો, cctv ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
આ ઘટના ભાવનગર જેવા વ્યસ્ત શહેરમાં જાહેર સ્થળની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉભા કરે છે. ખાસ કરીને બસ સ્ટેન્ડ જેવા ભીડભાડવાળા વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે પોલીસ તપાસમાં હુમલો કયા સંજાગોમાં થયો અને તેમાં અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા હતી કે નહીં, તે પણ સ્પષ્ટ થશે.








































