કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બિહાર મુલાકાતે રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. મુલાકાત પછી, બિહાર ભાજપ પ્રદેશ પ્રમુખ સંજય સરાવગીએ એક મોટું નિવેદન આપતા કહ્યું કે જ્યારે પણ ગૃહમંત્રી બિહારની મુલાકાતે આવ્યા છે, ત્યારે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે પણ કંઈક મોટું થવાનું છે.
સંજય સરાવગીએ જણાવ્યું હતું કે ગૃહમંત્રીની મુલાકાત દરમિયાન અનેક મહત્વપૂર્ણ નિર્દેશો જારી કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં નક્કર પગલાં લેવામાં આવશે. સીમાંચલ ક્ષેત્રમાં બાંગ્લાદેશી ઘૂસણખોરી અને અતિક્રમણનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું કે સીમાંચલ ક્ષેત્રમાં આશરે ૧૦ કિલોમીટર સુધી ફેલાયેલા ગેરકાયદેસર અતિક્રમણને દૂર કરવા માટે આદેશો જારી કરવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્ય આતંકવાદ અને નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો અને દેશની અંદરથી ઘૂસણખોરોને બહાર કાઢવાનો છે. રાષ્ટ્રીય સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે, અને આ દિશામાં કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
સીમાંચલ માટે અલગ રાજ્ય બનાવવાની ચર્ચાનો જવાબ આપતા સંજય સરાવગીએ જણાવ્યું હતું કે તેમને આવી કોઈ યોજનાની જાણ નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે અલગ રાજ્ય બનાવવાની વાત ફક્ત રાજકીય ભાષણ છે. વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે અન્ય પક્ષોના નેતાઓ ચૂંટણી દરમિયાન બિહાર આવે છે, લાંબા ભાષણો આપે છે અને પછી ચાલ્યા જાય છે, જ્યારે ભાજપ વિકાસ અને સુરક્ષા મુદ્દાઓ પર નક્કર રીતે કામ કરી રહ્યું છે.
તેમની મુલાકાત દરમિયાન, અમિત શાહે કિશનગંજ, અરરિયા અને પૂર્ણિયામાં અધિકારીઓ સાથે લાંબી બેઠકો કરી હતી. કેન્દ્ર અને રાજ્યના ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ,એસએસબી,બીએફએસ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ હાજર હતા. આ બેઠકમાં નેપાળ-ભારત સરહદની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ઘૂસણખોરી અને વસ્તી વિષયક પરિવર્તનની ચર્ચા કરવામાં આવી હતી. અમિત શાહે સરહદી જિલ્લાઓમાં કાર્યરત આધાર કેન્દ્રોની તપાસનો નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યાં પણ અનિયમિતતા જાવા મળે છે ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરવી જાઈએ. આવા કેન્દ્રો પર ટૂંક સમયમાં દરોડા શરૂ થઈ શકે છે.






































