બાબરા ખાતે આવેલ જી.આઈ.ડી.સી.-૨ વિસ્તારમાં સરકારી જાહેર વિતરણ વ્યવસ્થા અને ICDS યોજના હેઠળ ગરીબોને વહેંચાતી આવશ્યક ચીજ વસ્તુઓનો ગેરકાયદેસર સંગ્રહ અને ખુલ્લા બજારમાં વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રૂ.૧.૨૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
નીલવડા રોડ ઉપર આવેલ જી.આઈ.ડી.સી.-૨ માં કાળુભાઈ ગેલાણીના માલિકીના ગોડાઉનમાં સરકારી જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહવામાં આવ્યો હોવાની બાતમી મળી હતી.આ બાતમીના આધારે, તા. ૨૬/૦૩/૨૦૨૫ના રોજ ફરિયાદી અધિકારી દ્વારા પંચોને સાથે રાખીને ગોડાઉનમાં વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, ગોડાઉનના માલિક અને અન્ય એક આરોપીના સંયુક્ત માલિકીનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો.
આ ગોડાઉનમાં સરકારી યોજનાઓ હેઠળ વિતરણ કરવામાં આવતા ચોખા, બાજરી,ICDS યોજનાના લોટના પેકેટ્સ અને મીઠાના પેકેટ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેને કાળા બજારમાં વેચીને આર્થિક લાભ મેળવવાનો ઈરાદો હતો. ચોખા, બાજરી,ICDS યોજનાના લોટના પેકેટ્સ,મીઠાના પેકેટ્સ મળી તમામ આવશ્યક ચીજ વસ્તુઓ સહિત મળીને કુલ રૂ.૧,૨૮,૦૮૩ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.જી.સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.








































