બાબરા શહેરના વિવિધ સોસાયટી વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી રેઢિયાળ ઢોર અને આખલાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે.મુખ્ય રસ્તાઓ તેમજ આંતરિક માર્ગો પર દિવસ-રાત પશુઓના ટોળાં જમા રહેતા હોવાથી વાહનચાલકો, રાહદારીઓ, વૃધ્ધો અને શાળાએ જતા બાળકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અનેક વખત રસ્તા પર પશુઓ અચાનક દોડી આવતા અકસ્માતનો ભય રહે છે. ખાસ કરીને રાત્રિના સમયે અંધારામાં આ સમસ્યા વધુ ગંભીર બને છે, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેથી નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખી બાબરા નગરપાલિકા તંત્ર તાત્કાલિક અસરકારક ડ્રાઇવ યોજી આ પશુઓને યોગ્ય સ્થળે ખસેડે તેવી લોક માંગ પ્રબળ બની છે.








































