બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે કાર્યરત ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી દ્વારા કરવામાં આવેલી બેદરકારી બદલ યાર્ડ સત્તાધીશોએ આકરા પગલાં લીધા છે. થોડા દિવસો પૂર્વે એક વેપારીને થયેલા નુકસાનના વળતર પેટે યાર્ડ દ્વારા મંડળીને દંડ ફટકારવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, જ્યારે મંડળી દ્વારા તુવેરની ખરીદી કરવામાં આવી રહી હતી, ત્યારે તેના વાહન દ્વારા યાર્ડમાં પેઢી ધરાવતી ‘માનવ ટ્રેડર્સ’ની વ્યવસ્થિત ગોઠવેલી મગફળીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
આ ઘટના અંગે વેપારીએ માર્કેટિંગ યાર્ડને ફરિયાદ કરી હતી, જેના આધારે યાર્ડ તંત્રએ મંડળીને રૂ.૩,૦૦૦નો દંડ ફટકાર્યો છે. આ સાથે જ વેપારીને થયેલી નુકસાનીની રકમ પણ તાત્કાલિક ચૂકવી દેવા માટે મંડળીને કડક સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ માર્કેટિંગ યાર્ડ અને આ મંડળી વચ્ચે વિવિધ મુદ્દે વિવાદો સર્જાયા છે. મંડળીના બેફામ દોડતા વાહનોને કારણે વેપારીને થયેલા આર્થિક નુકસાન બદલ હવે મંડળીએ દંડ ભરવાનો વારો આવ્યો છે. હવે આ મંડળી દંડ ભરે છે કે માર્કેટિંગ યાર્ડ સામે નવો વિવાદ છેડે છે તે જોવાનું રહેશે.







































