પત્ની સાથે માથાકૂટ કરતા સાવકા પિતાને લાકડાના ધોકા મારી પતાવી દીધો

હત્યા કર્યા બાદ આરોપી ફરાર, પરિણીતાને સારવારમાં અમરેલી ખસેડાઈ

બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે ગુરૂવારના રોજ રાત્રિના સમયે પત્ની સાથે માથાકૂટ કરતા એક આધેડને અન્ય યુવકે લાકડાના ધોકા અને સિમેન્ટનો ચૂલો મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. માથાકૂટ દરમિયાન પત્ની આડી ઉતરતા તેને પણ ઈજાઓ થતા તેને અમરેલી સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઈ જતા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે કિશોરભાઈ મનજીભાઈ પટોળીયાની વાડીએ મજૂરીકામ કરતા રમણ વાલકા કટારા (ઉ.વ.૪૬) મૂળ ગામ સુખપર તા.ફતેપુરા અને તેની પત્ની સીતા મજૂરીકામ કરતા હતા તેમની સાથે સીતાના આગલા ઘરનો દીકરો પણ સાથે કામ કરતો હતો. ગુરૂવારે રાત્રિના ૯ઃ૩૦ કલાકની આસપાસ રમણ અને તેની પત્ની સીતા વચ્ચે કોઈ વાતને લઈ ઝઘડો ચાલતો હતો અને બોલાચાલી થતી હતી. જેથી આ માથાકૂટ દરમિયાન સુરેશ મછાર વચ્ચે પડતા ઝઘડો વધુ તિવ્ર બન્યો હતો. અચાનક જ ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરતા સુરેશ મછારે લાકડાના ફટકા મારી અને સિમેન્ટનો ચૂલો માથામાં ફટકારી દેતા રમણનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. જયારે તેની પત્ની સીતા બચાવવા જતા તેને પણ ઈજાઓ પહોંચતા સીતાને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હત્યા કર્યા બાદ સુરેશ મછાર નાસી ગયો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ દોડી ગઈ હતી અને મૃતકનો કબજા લઈ લાશને પોસ્ટમાર્ટમ માટે બગસરા સરકારી દવાખાને ખસેડી હતી. મૃતક રમણની દિકરી અસ્મિતાએ સુરેશ મછાર સામે ફરિયાદ નોંધાવી હતી. આમ, મોટા મુંજીયાસર ગામે હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી.