પુણેમાં શિવસેના નેતા અજય ભોંસલેના ૨૦૦૯ના હત્યાના પ્રયાસ કેસમાં ગેંગસ્ટર છોટા રાજન અને અન્ય ચાર આરોપીઓને સીબીઆઈની વિશેષ અદાલતે નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે હત્યાના પ્રયાસ, ગુનાહિત કાવતરું અને આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓમાંથી પાંચેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. નિર્દોષ જાહેર કરાયેલા લોકોમાં પુણેના બિલ્ડર સુરેન્દ્રકુમાર અગ્રવાલ, મોહમ્મદ ખાન, વિજય તંબટ અને રાજેશ યાદવનો સમાવેશ થાય છે.
સુરક્ષા કારણોસર તિહાર જેલમાંથી ૭૦ વર્ષીય રાજને વીડિયો કોન્ફરÂન્સંગ દ્વારા કોર્ટ કાર્યવાહીમાં ભાગ લીધો હતો, જ્યાં તે હાલમાં બંધ છે. ગયા વર્ષે રાજનને આ કેસમાં જામીન મળ્યા હોવા છતાં, તે ૨૦૧૧ માં પત્રકાર જે ડેની હત્યા માટે આજીવન કેદની સજા ભોગવી રહ્યો હોવાથી તે જેલમાં જ છે.તેને નિર્દોષ જાહેર કરવાના કારણો દર્શાવતો વિગતવાર આદેશ હજુ સુધી જારી કરવામાં આવ્યો નથી.
આ કેસ ૧૧ ઓક્ટોબર, ૨૦૦૯નો છે, જ્યારે છોટા રાજનના બે કથિત સહયોગીઓએ પુણેમાં અજય ભોંસલેની કાર પર ગોળીબાર કર્યો હતો. ભોંસલે સુરક્ષિત બચી ગયા હતા, પરંતુ તેમના ડ્રાઇવરને હુમલામાં ઇજા થઈ હતી. સરકારી વકીલના જણાવ્યા અનુસાર, આ ઘટના પુણેના રહેવાસીઓ સુરેન્દ્રકુમાર અગ્રવાલ, આરકે અગ્રવાલ અને વીકે અગ્રવાલ વચ્ચેના મિલકત વિવાદ સાથે સંબંધિત હતી.
તપાસકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે સુરેન્દ્રકુમારે રાજન સાથે સંકળાયેલા વિજય તંબટનો સંપર્ક કરીને વિવાદ ઉકેલવા અને મિલકતનો હિસ્સો મેળવવામાં મદદ કરી હતી. સરકારી વકીલે એવો પણ દાવો કર્યો હતો કે રાજને ફોન પર આર.કે. અગ્રવાલને ધમકી આપી હતી અને ભોંસલેને માર્ચ અને મે ૨૦૦૯ દરમિયાન રાજન તરફથી ૫૦ થી વધુ ફોન આવ્યા હતા.
ભોંસલેને કથિત રીતે નિશાન બનાવવામાં આવ્યા હતા કારણ કે રાજનને શંકા હતી કે તેઓ પક્ષકારો વચ્ચે સમાધાનમાં અવરોધ ઉભો કરી રહ્યા છે. ગોળીબારની ઘટના પહેલા, રાજનના કથિત સહયોગીઓએ ૧ મે, ૨૦૦૯ ના રોજ પુણેના રેસિડેન્સી ક્લબમાં આર.કે. અગ્રવાલનો સામનો કર્યો હતો અને મિલકત વિવાદ ઉકેલવા માટે તેમના પર દબાણ કર્યું હતું.
શરૂઆતમાં આ કેસ પુણેના બંદ ગાર્ડન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો અને બાદમાં તપાસ માટે મહારાષ્ટÙ સીઆઈડીને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ૨૦૧૫ માં રાજનના દેશનિકાલ પછી, સીબીઆઈએ આ કેસ તેની સામે નોંધાયેલા ૭૦ અન્ય કેસ સાથે પોતાના હાથમાં લીધો હતો.
ટ્રાયલ દરમિયાન, ફરિયાદ પક્ષે રાજનને સંગઠિત ગુના સિન્ડિકેટના વડા તરીકે વર્ણવ્યો હતો અને તેની ગુનાહિત પૃષ્ઠભૂમિ અને અનેક ગુનાઓમાં કથિત સંડોવણીનો ઉલ્લેખ કર્યો હતો. જાકે, રાજનના બચાવમાં જણાવાયું હતું કે ભોંસલે પરના કાવતરામાં કે હુમલાના પ્રયાસમાં તેની સંડોવણીના કોઈ નક્કર પુરાવા નથી.
અગાઉ, અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને સીબીઆઈ કોર્ટે નકલી પાસપોર્ટ કેસમાં સાત વર્ષની જેલની સજા ફટકારી હતી.