પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિરોમણી અકાલી દળ વચ્ચે સંભવિત ગઠબંધનનો સંકેત શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે આપ્યો છે. તેમણે કહ્યું કે સમાન વિચારધારા ધરાવતી પાર્ટી સાથે ગઠબંધન થઈ શકે છે.
પંજાબના રાજ્યપાલને મળ્યા બાદ પ્રતિક્રિયા આપતા સુખબીર સિંહ બાદલે કહ્યું કે અકાલી દળના મુખ્ય રાજકીય વિરોધીઓ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે. ભાજપનું નામ લીધા વિના તેમણે કહ્યું કે સમાન વિચારધારા ધરાવતી પાર્ટી સાથે ગઠબંધન થઈ શકે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં દાવો કર્યો હતો કે પંજાબમાં એનડીએ સરકાર બનશે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ સરકાર બનશે તેવા શાહના નિવેદન પછી સુખબીર સિંહ બાદલની આ પહેલી પ્રતિક્રિયા છે. બાદલના નિવેદનથી એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે ભાજપ અને અકાલી દળ ફરી એકવાર પંજાબમાં ગઠબંધન બનાવી શકે છે. જાકે બંને પક્ષો દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી, આમ આદમી પાર્ટીએ ભાજપ અને અકાલી દળ વચ્ચેના સંભવિત ગઠબંધનની ટીકા કરી છે.
અગાઉ, અકાલી દળના મહાસચિવ બિક્રમ સિંહ મજીઠિયાએ કહ્યું હતું કે બંને પક્ષો વચ્ચે ગઠબંધન પંજાબ માટે “સમયની જરૂરિયાત” છે. અગાઉ, તેમની બહેન, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભટિંડાના સાંસદ હરસિમરત કૌર બાદલે પણ સંગરુરમાં એક રેલી દરમિયાન કંઈક આવું જ સંકેત આપ્યો હતો.
દરમિયાન, પંજાબ ભાજપના ઉપપ્રમુખ ફતેહ જંગ બાજવાએ જણાવ્યું હતું કે પાર્ટી રાજ્યની તમામ ૧૧૭ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે જા ભાજપને “મોટા ભાઈ” ની ભૂમિકા આપવામાં આવે તો જ ગઠબંધન પર વિચાર કરવામાં આવશે.એ નોંધવું જાઈએ કે અકાલી દળ અને ભાજપ પંજાબમાં લાંબા સમયથી સાથી હતા, પરંતુ કૃષિ કાયદાઓને લઈને ગઠબંધન તૂટી ગયું હતું. એનડીએ સરકારમાં તત્કાલીન કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે ૨૦૨૦ માં કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું હતું, જેના પગલે શિરોમણી પાર્ટીએ ગઠબંધન સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. બંને પક્ષોએ ૨૦૨૨ ની પંજાબ વિધાનસભા ચૂંટણી અલગથી લડી હતી, જેમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આમ આદમી પાર્ટીએ તે ચૂંટણીમાં જંગી જીત સાથે સરકાર બનાવી હતી.