રાજુલા તાલુકાના મોરંગી ગામમાં પ્રેમસંબંધની અદાવતમાં ૭૩ વર્ષીય વૃદ્ધની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. ભીખુભાઈ નનુભાઈ સમા નામના વૃધ્ધ પર છરી વડે હુમલો કરવામાં આવતાં તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ડુંગર પોલીસે રૂસ્તમ રાજેભાઈ બેલીમ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, મૃતકના પુત્રની દીકરીને આરોપીના પરણિત ભાઈ શબ્બીર સાથે પ્રેમસંબંધ હતો. આ સંબંધ રૂસ્તમ બેલીમને પસંદ ન હોવાથી તે અદાવત રાખતો હતો. આ મુદ્દે આરોપી અને ભીખુભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન રૂસ્તમે છરી વડે ભીખુભાઈના જમણા પગના સાથળના ભાગે ઘા ઝીંક્યો હતો. ગંભીર રીતે ઘાયલ ભીખુભાઈને સારવાર માટે રાજુલાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ડુંગર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં હથિયારબંધીના જાહેરનામાના ભંગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.







































