ચલાલાના મીઠાપુર (ડુ) ગામે ‘તને તો મારી જ નાખવો છે’ કહી યુવકને માથામાં તલવારનો ઘા ઝીંક્યો હતો. બનાવ સંદર્ભે દિલીપભાઈ બાધુભાઈ વાળા (ઉ.વ.૩૫)એ કરણસિંહ નરસિંહભાઈ રેવર અને અજીતભાઈ રેવર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ પોતાના ઘરેથી જૂના ઘરે જઈ, મજૂરોને ગાયોનું નીરણ ચીંધીને પરત પોતાના ઘરે આવતા હતા તે વખતે જાહેર રસ્તામાં કરણભાઈ રેવરે બોલેરો તેમની સામે આવવા દીધી હતી. જેથી તેમણે કહ્યું કે, ‘કેમ બોલેરો માથે આવવા દીધી?’ જેથી ઉશ્કેરાઈને કહેવા લાગ્યા કે, ‘તને તો મારી જ નાખવો છે’ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી તેઓ ઘરે જતા રહ્યા હતા.તે વખતે આરોપીઓ હાથમાં તલવાર લઈને આવ્યા હતા તથા અજીતભાઈ રેવરે લોખંડના પાઈપ વડે દરવાજે તથા બાજુમાં પડેલી મોટરસાયકલમાં ઘા માર્યા હતા. જેથી તેમણે કેતનભાઈને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા. તેઓ ઘરની બહાર નીકળતાં જ આરોપી કરણસિંહે તલવારનો ઘા માથાના પાછળના ભાગે તેમજ ડાબા હાથના ખભાના નીચેના ભાગે તથા જમણા હાથના અંગૂઠા પર માર્યો હતો. આ સમયે કેતનભાઈ વચ્ચે પડતાં આરોપી કરણસિંહે તલવારનો ઘા તેમને પણ માર્યો હતો, જેનાથી ડાબા હાથની હથેળીના નીચેના ભાગે આઠ ટાંકા તથા ડાબા હાથની ચોથી આંગળીમાં પાંચ ટાંકા આવ્યા હતા. તેમના પિતા બાધુભાઈ વચ્ચે પડતાં તેમને પણ તલવારના ઘા મારી ઈજા પહોંચાડી ગાળો આપી હતી. ચલાલા પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.આર. ભાચક વધુ તપાસ કરી રહ્યા છે.








































