ધોરાજી-જૂનાગઢ હાઈવેની અત્યંત ખરાબ હાલત અને ગોકળગાય ગતિએ ચાલતા કામના વિરોધમાં આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ (ASAP) ના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયા દ્વારા ‘રોડ સમાધિ’નો પ્રતિકાત્મક આંદોલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે દરમિયાનગીરી કરી છછઁ નેતાઓની અટકાયત કરી હતી.
ધોરાજી – જૂનાગઢ હાઈવે પર જર્જરિત રસ્તાના કારણે વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન છે. આ સમસ્યાને લઈને આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા ધાર્મિક માથુકિયા, સલીમ મુઘલ, અલફેઝ મંધરા અને જય ટોપિયા સહિતના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન ‘રોડ સમાધિ’ જેવા આશ્ચર્યજનક કાર્યક્રમ આપતી વખતે ધોરાજી પોલીસે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા હાથમાં “શરમ કરો…શરમ કરો…રોડ રસ્તા સારા કરો”ના બેનર સાથે સૂત્રોચ્ચાર કરી ખરાબ રસ્તાનો વિરોધ કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ધોરાજી જૂનાગઢ ફાટક પાસે પુલનું કામ ચાલી રહ્યું હોવાથી અહીંનો રોડ ખખડધજ હાલતમાં ફેરવાઈ ગયો છે. લોકોને પડતી ભારે હાલાકીના નિવારણ માટે અને તંત્ર જાગે તે હેતુથી આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. રોડ સમાધિ લેતા નેતા ધાર્મિક માથુકિયાએ જણાવ્યું હતું કે, ધોરાજી જૂનાગઢ ફાટક પાસે બની રહેલા પુલનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. અહીં આપવામાં આવેલો વૈકલ્પિક રસ્તો પણ એકદમ કાચો છે.
કોંગ્રેસ પણ વિરોધ નથી કરતી આ ધોરાજીનો મુખ્ય માર્ગ છે જ્યાંથી અનેક પ્રવાસીઓ, દવાખાને જતા દર્દીઓ અને કારખાને જતા શ્રમિકો પસાર થાય છે. આ લોકોને રોજ હાલાકી ભોગવવી પડે છે. ભારતીય જનતા પાર્ટી વહીવટમાં નિષ્ફળ ગઈ છે અને અહીં કોંગ્રેસ પણ વિરોધ પક્ષ તરીકેની ભૂમિકા ભજવવા તૈયાર નથી, ત્યારે ધોરાજીની જનતા વતી આમ આદમી પાર્ટી આ લડત લડવા મેદાને આવી છે.










































