લીલીયા તાલુકાના ગોઢાવદર ગામે ખેડૂત પરેશભાઈ શંભુભાઈ ગજેરાની વાડીમાંથી જટકા મશીનની બેટરી ચોરી થયાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે અજાણ્યા શખ્સો વાડીમાં પ્રવેશ કરી જટકા મશીનની બેટરી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવને પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી વાડી વિસ્તારોમાં ચોરીના બનાવો વધી રહ્યા હોવાનું જાણવા મળે છે. આશરે ૧૫ દિવસ અગાઉ પણ દેવચંદભાઈ સખીયાની વાડીમાં ચોરીનો બનાવ બન્યો હતો. ત્યારબાદ હવે ફરી ચોરી થતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતોનું કહેવું છે કે ચોરી ગયેલી વસ્તુઓ પરત મળતી નથી, જેથી આવા બનાવો અટકાવવા પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે.





































