ગુજરાત યુથ કોંગ્રેસમાં હાલ મોટા ફેરફારોના સંકેત મળી રહ્યા છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ સક્રિય અને આક્રમક બનાવવાના ઉદ્દેશ્ય સાથે યુથ કોંગ્રેસના પ્રભારી નિખિલ દ્વિવેદીએ લાલ આંખ કરી છે. લાંબા સમયથી સંગઠનાત્મક કામગીરીમાં નિસક્રિય રહેલા પદાધિકારીઓ સામે કડક વલણ અપનાવતા તેમણે એકસાથે ૫૬ નેતાઓને કારણદર્શક નોટિસ પાઠવી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, નિખિલ દ્વિવેદીએ રાજ્યના ૩૦ જિલ્લાધ્યક્ષો અને ૨૬ પ્રદેશ પદાધિકારીઓને કારણ બતાવો નોટિસ ફટકારી છે. આ નેતાઓને તેમના કાર્યકાળ દરમિયાન કરેલી કામગીરી અને સંગઠનાત્મક ગતિવિધિઓ અંગે તાત્કાલિક ખુલાસો રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
યુથ કોંગ્રેસના પ્રભારીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે હવે સંગઠનમાં કોઈપણ પ્રકારની નિસક્રિયતા ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું હતું કે યુથ કોંગ્રેસમાં માત્ર હોદ્દાનું નામ ધરાવવું પૂરતું નથી, પરંતુ જનતાના પ્રશ્નો માટે સડક પર ઉતરીને સંઘર્ષ કરવો અનિવાર્ય છે. જો નિર્ધારિત સમય મર્યાદામાં સંતોષકારક જવાબ નહીં મળે, તો શિસ્તભંગના કડક પગલાં લેવામાં આવશે.
આ કડક વલણ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનને ગતિશીલ બનાવવાનો છે. નેતૃત્વ દ્વારા એવો સંદેશ આપવામાં આવ્યો છે કે, જે કાર્યકરો જમીની સ્તર પર મહેનત કરશે અને જનતાના મુદ્દાઓ માટે સંઘર્ષ કરશે, તેમને જ સંગઠનમાં મોટી જવાબદારીઓ અને વિશેષ તકો આપવામાં આવશે.
આ પગલાથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત યુથ કોંગ્રેસ હવે વધુ આક્રમક બનવાની તૈયારીમાં છે. લાંબા સમયથી નિસ્ક્રિય રહેલા પદાધિકારીઓને હટાવીને નવા અને ઉત્સાહી કાર્યકરોને આગળ લાવવાની કવાયત તેજ બની છે. આ ફેરબદલ આગામી સમયમાં રાજ્યના રાજકારણમાં યુથ કોંગ્રેસની ભૂમિકાને વધુ મજબૂત બનાવે તેવી શક્યતા છે.






































