ગીર સોમનાથ જિલ્લા શેરડી તથા ગોળ ઉત્પાદક ખેડૂત મંડળની સામાન્ય સભા કોડીનારના બાપેશ્વર મંદિર ખાતે પ્રમુખ બાલુભાઈ ગોહિલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં શેરડીની ખરીદી, ગોળનું ઉત્પાદન અને વેચાણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી મહત્વના નિર્ણયો લેવાયા હતા. અપૂરતા વરસાદને કારણે અંદાજે ૫૦ હજાર ટન શેરડીનો ઉપયોગ ઘાસચારા તરીકે થયો હોવાનું જણાવાયું હતું. ઓછા વરસાદથી શેરડીના પાકમાં રોગચાળાનું પ્રમાણ વધવા અંગે પણ ચિંતા વ્યક્ત કરાઈ હતી. આઈ.પી.એલ. કંપની દ્વારા બિલેશ્વર ખાંડ ઉદ્યોગ શરૂ થતાં શેરડીની ખરીદી અને બજાર પર થનારી અસર અંગે ચર્ચા થઈ હતી. ગત સિઝનનો આશરે સાત લાખ ડબ્બા ગોળનો જથ્થો કોલ્ડ સ્ટોરેજમાં હોવાથી નવા ગોળના ભાવ પર દબાણ આવવાની શક્યતા વ્યક્ત કરી ખેડૂતોને સાવચેતી રાખવા અપીલ કરાઈ હતી. કોડીનારની એ.સી. એન્ડ કંપની પેઢી સામે રૂ.૪ કરોડથી વધુની છેતરપિંડીના આક્ષેપોની ચર્ચા બાદ ખેડૂતોને ત્યાં ગોળ ન આપવાનો નિર્ણય લેવાયો હતો.