હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર નવરાત્રીનો પ્રારંભ ૧૧ ઓક્ટોબરથી થઈ રહ્યો છે. દર વર્ષની
પરંપરા મુજબ આ વર્ષે પણ નવરાત્રીના પ્રથમ નોરતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી પરંપરાગત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સતત ૧૬મા વર્ષે યોજાનારી આ પદયાત્રામાં ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં હજારો શ્રધ્ધાળુઓ જોડાશે.
રવિવારે સવારે ૯ કલાકે મા ખોડલના રથની આગેવાનીમાં પદયાત્રાનો પ્રારંભ થશે. શ્રધ્ધાળુઓ જયઘોષ અને ગરબે રમતાં રમતાં મંદિર સુધી પહોંચશે. મંદિર ખાતે મા ખોડલની મહાઆરતી કર્યા બાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવશે. સાથે જ મંદિરની યજ્ઞશાળામાં યજ્ઞનું આયોજન પણ કરાયું છે.
પદયાત્રામાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, વિવિધ ઝોનના કન્વીનરો, મહિલા સમિતિ, યુવા સમિતિ, મીડિયા સમિતિ, શિક્ષણ પાંખ સહિત વિવિધ સમિતિઓના સભ્યો અને સમાજના ભાઈઓ-બહેનો જોડાશે. પદયાત્રાના માર્ગ પર સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થા જાળવવામાં આવશે. મંદિર ખાતે શ્રધ્ધાળુઓ માટે ફરાળ અને અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
નવરાત્રીના નવ દિવસ દરમિયાન મા ખોડલને દરરોજ વિવિધ શણગાર કરવામાં આવશે તથા હવન અને ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ દરમિયાન મંદિર પરિસરને આકર્ષક લાઇટિંગથી શણગારવામાં આવશે.










































