કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામના રેવન્યુ ચકદળ વિસ્તારમાં વાડીના કુવામાં માદા દીપડી ખાબકી જતાં વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ઘાંટવડ રાઉન્ડ ફોરેસ્ટર એમ.જી. દામણીયા તથા બીટ ગાર્ડ આર.વી. વાળા સહિતની ટીમ સ્થળે પહોંચી હતી. વન વિભાગે સાવચેતીપૂર્વક સાઈડ શટર મારફતે કુવામાં પાંજરું ઉતારી દીપડીને સુરક્ષિત રીતે પાંજરામાં પૂરવામાં સફળતા મેળવી હતી. આશરે સવારે ૧૧ઃ૩૦ વાગ્યે દીપડીનું રેસ્ક્યુ કરાયું હતું. ૫થી ૯ વર્ષની આ માદા દીપડીને જરૂરી સારવાર અને તપાસ માટે જામવાળા વન્યપ્રાણી સારવાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. રેસ્ક્યુ કામગીરીમાં ટ્રેકરો સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.