ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલા પ્લાસ્ટિક કારખાનાઓને તસ્કરોએ ફરી નિશાન બનાવતાં ચકચાર મચી છે. રેલવે ફાટક બાદ આવેલા તુલસી પ્લાસ્ટિક, મીરા પ્રોસેસ, નારાયણ પોલીપેક, દ્વારકેશ પ્લાસ્ટિક, માસ્ટર પેક અને નાથજી પ્રોસેસ સહિતના કારખાનાઓમાં મોડી રાત્રે તોડફોડ કરી રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી. તસ્કરોએ કારખાનાના તાળા તોડી સામાન વેરવિખેર કર્યો હતો.
ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં એક વર્ષ દરમિયાન ચારથી વધુ વખત ચોરીના બનાવો બન્યા છે. વારંવારની ચોરીથી પ્લાસ્ટિક ઉદ્યોગકારોમાં રોષ સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ધોરાજી તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને આસપાસના તેમજ કારખાનાઓમાં લગાવાયેલા સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.