ગુજરાતમાં મહિલાઓ નાઈટ શિફ્‌ટમાં કામ કરી શકશે

કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક-૨૦૨૫ વિધાનસભા ગૃહમાં તા. ૧૦ના રોજ પસાર કરવામાં આવ્યું હતું. શ્રમ અને રોજગાર પ્રધાન બલવંતસિંહ રાજપુતે વિધાનસભા ગૃહમાં કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક ૨૦૨૫ રજૂ કરતા કહ્યું હતું કે, રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા, રાષ્ટ્રીય હિતમાં નવા ઔદ્યોગિક એકમોમાં રોકાણ આકર્ષવા અને રાજ્યમાં વધુ રોજગારી ઉભી કરવા માટે કારખાનાઓને યોગ્ય રાહતો આપવાની સાથે-સાથે શ્રમિકોના હિતનું રક્ષણ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, કારખાના ધારો કેન્દ્ર સરકારનો કાયદો છે. તેમાં મળેલ સત્તાઓ અનુસંધાને રાષ્ટ્રપતિની અનુમતિથી રાજ્ય સરકારો પોતાના રાજ્યને લાયક જરૂરી સુધારા કરી શકે છે અને તે સત્તા હેઠળ ખાસ કારખાના જૂથને અથવા વર્ગને દૈનિક કામના કલાકો તથા ઓવરટાઇમના કલાકોની સંખ્યામાં ફેરફાર કરવાની અને રાત્રીપાળીમાં મહિલા શ્રમયોગીઓને કામે રાખવાની પરવાનગી આપવાની સત્તા ગુજરાત સરકારને પ્રાપ્ત થાય તેવી જોગવાઇ કરવાનો આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ છે. પ્રધાન રાજપુતે કહ્યું હતું કે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સરકારને જરૂરી લાગે તેવી શરતો-ખાસ કરીને મહિલા શ્રમયોગીઓની સલામતી અને સ્વાસ્થ્ય સંબંધી શરતોને ધ્યાને રાખીને આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરીને જ આવી મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આપશે તેવી જોગવાઇ આ વિધેયકમાં કરવામાં આવી છે. પ્રધાને કહ્યું હતું કે, રાજ્યના વિકાસમાં નારી શક્તિની ભાગીદારી મહત્વની છે. રાજ્યના યુવાનો તેમની કુશળતા અને કૌશલ્યનો ઉપયોગ કરીને આર્થિક રીતે પગભર થાય અને રાજ્યના આર્થિક વિકાસમાં તેઓનું યોગદાન આપી શકે તેવી તકોનું નિર્માણ તેમજ કામદારોના હિત જાળવવા સહિત રોજગારીનું સર્જન કરવા અને તેમને વધુને વધુ આર્થિક ફાયદો થાય તે અંગે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો થઇ રહ્યાં છે. પ્રસ્તાવિત વિધેયકમાં કારખાના ધારા-૧૯૪૮ ની કુલ-૬ કલમોમાં સુધારા સૂચવેલ છે. જેમાં કામના કલાકો, આરામનો સમય, કામનો કુલ સમયગાળો, ઓવરટાઇમ, ત્રણ મહિનાનો ઓવરટાઇમનો સમયગાળો અને મહિલા શ્રમયોગીઓ માટે રાત્રી પાળીમાં કામ કરવાની બાબતનો સમાવેશ થાય છે. હાલની જોગવાઈ મુજબ મહિલા શ્રમયોગીઓ પાસેથી સવારના ૦૬.૦૦ થી સાંજના ૦૭.૦૦ વાગ્યા સિવાયના કલાકોમાં કામ લઇ શકાતું નથી. આ કલમ હેઠળની અન્ય જોગવાઇ મુજબ, ઉકત સમયગાળા સિવાયના કલાકોમાં મહિલા શ્રમયોગીઓ પાસેથી કામ કરાવવા અંગે રાજય સરકાર સરકારી રાજપત્રમાં જાહેરનામુ બહાર પાડીને મંજૂરી આપી શકે છે. વળી, રાત્રીના ૧૦.૦૦ થી સવારના ૦પ.૦૦ કલાકના સમયગાળા દરમ્યાન મહિલા શ્રમયોગીઓને કામે રાખી શકાશે નહિ.

મહિલા સશક્તિકરણની દિશામાં એક મહ¥વનું કદમ
ગુજરાત વિધાનસભામાં કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક-૨૦૨૫ પસાર થવાથી મહિલાઓને ૨૪ કલાક ચાલતા ઉદ્યોગોમાં કામ કરવાની તક મળશે. આ પગલું મહિલા સશક્તિકરણની દિશામાં એક મહ¥વનું કદમ માનવામાં આવે છે.

આ બાબતોનું ધ્યાન રાખવું પડશે
એકમોએ રાત્રિ શિફ્‌ટમાં કામ કરતી મહિલાઓને ઘરથી કારખાના સુધી અને પરત સુરક્ષિત વાહન વ્યવસ્થા પૂરી પાડવી પડશે. તેમજ કાર્યસ્થળ પર મહિલાઓની સલામતી માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી પડશે. આ ઉપરાંત કારખાનાઓમાં સ્વચ્છ શૌચાલય, પીવાનું પાણી અને યોગ્ય આરામ માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી પડશે.