અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઈન એસ્કોર્ટ સર્વિસના નામે ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ સામે કડક ઝુંબેશ શરૂ કરી છે. આ કાર્યવાહી અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે એસ્કોર્ટ સર્વિસ ચલાવતા ૧૨૦ ડોમેઈન સામે ગુનો દાખલ કર્યો છે.
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દ્વારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ખોટી આઇડી બનાવી એસ્કોર્ટ સર્વિસના નામે નાગરિકોને આકર્ષતા હતા. સોશિયલ મીડિયા પર આકર્ષક પોસ્ટ્સ અને જાહેરાતો મૂકીને લોકો સાથે ફ્રોડ કરવામાં આવતો હતો. આ ડોમેઈન સાથે સંકળાયેલી વેબસાઇટ્સ પર મહિલાઓના એડિટ કરેલા તથા છૈં દ્વારા બનાવેલા ફોટા મૂકવામાં આવતા હતા. આ ફોટાઓનો ઉપયોગ કરીને ગ્રાહકોને દેહવિક્રયની સર્વિસ ઉપલબ્ધ હોવાનો ભ્રમ ઉભો કરવામાં આવતો હતો.
આરોપીઓ ગ્રાહકોને સર્વિસ બુકિંગના નામે યુપીઆઇ આઇડી દ્વારા રૂપિયા ચૂકવવા માટે મજબૂર કરતા હતા. એકવાર પૈસા ચૂકવ્યા બાદ ન તો કોઈ સર્વિસ આપવામાં આવતી હતી અને ન તો સંપર્ક શક્ય બનતો હતો.ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર કૌભાંડમાં ઉપયોગમાં લેવાયેલા યુપાઆઇ આઇડી અને બેન્ક એકાઉન્ટની માહિતીના આધારે વધુ તપાસ શરૂ કરી છે. આ નાણાકીય લેવડદેવડના આધારે આરોપીઓ સુધી પહોંચવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચે નાગરિકોને સોશિયલ મીડિયા પર દેખાતી આવી જાહેરાતોથી દૂર રહેવા અને કોઈ પણ શંકાસ્પદ વેબસાઇટ કે આઇડી સામે સાવચેત રહેવા અપીલ કરી છે. સાથે જ આવી કોઈ પ્રવૃત્તિની માહિતી તાત્કાલિક પોલીસને આપવાની અપીલ કરવામાં આવી છે.





































