ઉનાનાં ગુંદાળા ગામે કાયદેસરના રસ્તા પર દબાણ થયાનો આક્ષેપ કરી રસ્તો ખુલ્લો કરાવવા ખેડૂત જુસબભાઈ ઓસ્માણભાઈ ઉન્નડે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. આ અંગે ૨૪ ઓગસ્ટે ઉના મામલતદારને અને ૨ જુલાઈએ જિલ્લા પોલીસ અધિક્ષકને પોલીસ પ્રોટેક્શન અને સ્વખર્ચે બંદોબસ્ત આપવા અરજી કરી હતી. આ માટે તેમણે ૧૯,૯૪૪ પણ ભર્યા
હોવા છતાં રસ્તો ખુલ્લો થયો નથી અને સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. અરજદારના જણાવ્યા અનુસાર, તેમના બાપદાદાના સમયથી કાયદેસરનો રસ્તો આવેલો છે, પરંતુ ગામના એક વ્યક્તિ દ્વારા આ રસ્તા પર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. હાલમાં અરજદારની જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે અને પાક કાઢવાનો સમય આવી ગયો છે. પરંતુ રસ્તો બંધ હોવાના કારણે જેસીબી અને ટ્રેક્ટર જેવા વાહનો ખેતરમાં જઈ શકતાં ન હોવાથી ખેતીકામમાં મુશ્કેલી ઊભી થઈ છે. આ અંગે અગાઉ અનેક વખત રજૂઆતો કરવા છતાં રસ્તો ખુલ્લો કરાવવા કે દબાણ દૂર કરવા કોઈ કાર્યવાહી થઈ ન હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે. તંત્ર દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો ૨૫ સપ્ટેમ્બરથી ઉનાના ડેપ્યુટી કલેક્ટરની કચેરી સામે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.