આણંદ જિલ્લાના નિસરાયા ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ સામે ગેરરીતિ અને સત્તાના દુરુપયોગના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ગામલોકોના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયતના અનેક કામોમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી અને પૂર્વ મંજૂરી લીધા વિના નિર્ણયો લેવામાં આવ્યા છે. આક્ષેપોને લઈને ગામમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગામલોકોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર આપી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ગામલોકોનો આક્ષેપ છે કે મહિલા સરપંચે કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના દાદાગીરીપૂર્વક દબાણ કરીને ગ્રામ પંચાયતની કામગીરી કરી છે. વધુમાં, આશરે ૨૦ ગુંઠા વિસ્તાર ધરાવતા તળાવનું પુરાણ કરીને તેના પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ગામલોકોના જણાવ્યા મુજબ પંચાયતની જાહેર જમીન પર પણ ગેરકાયદે કબજા કરવામાં આવ્યો છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ગ્રામ પંચાયત હેઠળ કાર્યરત સામાજિક ન્યાય સમિતિની નિયમિત બેઠક પણ બોલાવવામાં આવી નથી. ગામલોકોનો દાવો છે કે સમિતિને તેની કામગીરી માટે એકપણ ગ્રાન્ટ આપવામાં આવી નથી. પરિણામે સામાજિક ન્યાય સંબંધિત અનેક યોજનાઓ અને વિકાસના કાર્યો પ્રભાવિત થયા હોવાનું ગામલોકોનું કહેવું છે. આ સમગ્ર બાબત પંચાયતના વહીવટ પર પણ અનેક સવાલો ઊભા કરી રહી છે.
ગામલોકોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે સરપંચ દ્વારા જાતિવાદી વલણ અપનાવીને ગામના કેટલાક લોકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ દરેક વ્યક્તિ સાથે સમાન વ્યવહાર થવો જોઈએ, પરંતુ કેટલાક લોકોને ઇરાદાપૂર્વક વિકાસના કામો અને સરકારી લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. આ આક્ષેપોને કારણે ગામમાં સામાજિક અસંતોષનું વાતાવરણ સર્જાયું હોવાનું પણ ગામલોકોએ જણાવ્યું છે.
આ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીની કામગીરી પર પણ ગામલોકોએ સવાલ ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ ટીડીઓ દ્વારા અગાઉ આપવામાં આવેલી નોટિસની મુદતમાં વારંવાર વધારો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સમગ્ર કાર્યવાહી શંકાના ઘેરામાં આવી ગઈ છે. ગામલોકોનું કહેવું છે કે જો સમયસર અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવી હોત તો અત્યાર સુધીમાં સમગ્ર મામલાનો યોગ્ય નિકાલ આવી ગયો હોત.
આ તમામ મુદ્દાઓને લઈને ગામલોકોએ ટીડીઓને વિગતવાર આવેદનપત્ર આપી સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરાવી દોષિતો સામે કાયદેસરની અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ ગામલોકોએ ચેતવણી આપી છે કે જા તેમની રજૂઆત છતાં કોઈ અસરકારક કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. હાલ સમગ્ર મામલો તાલુકા સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે અને હવે વહીવટી તંત્ર આક્ષેપોની તપાસ બાદ શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.