અમરેલી લોકસભા મતવિસ્તાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્ગ માળખાને વધુ મજબૂત બનાવતી મહત્વપૂર્ણ મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાના સઘન પ્રયાસો, સતત રજૂઆતો અને માર્ગ વિકાસ માટેની સક્રિય કામગીરીને પગલે રાષ્ટ્રીય રાજમાર્ગના બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટને કરોડોની મંજૂરી મળી છે. રાષ્ટ્રીય રાજમાર્ગ-૩૫૧ય્ના નાગેશ્રી-અમરેલી-ચોટીલા ૧૯૬ કિમી લાંબા માર્ગને અપગ્રેડ કરવા માટે રૂ.૨,૧૨૫.૫૫ કરોડની મંજૂરી આપવામાં આવી છે. હાઈબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ પેવ્ડ શોલ્ડર્સ સાથેનો બે-લેન માર્ગ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટમાં અમરેલી બાયપાસ, જસદણ-આટકોટ-બાબરા સેક્શન તેમજ ચોટીલા શહેર વિસ્તારમાં ચાર-લેન માર્ગના અપગ્રેડેશનનો સમાવેશ થાય છે. આ માર્ગ પ્રોજેક્ટ સાકાર થતાં અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગર વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. મુસાફરો તેમજ માલસામાનની અવરજવર વધુ સરળ બનશે અને અમરેલી તથા બાબરા બાયપાસના કારણે શહેરોમાંથી પસાર થતા ટ્રાફિકનું ભારણ પણ ઘટશે. માર્ગના વિકાસથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોને પણ વધુ સારી પરિવહન સુવિધા મળવાની આશા છે. વેપાર-ધંધા અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને પણ આ માર્ગ વિકાસથી વેગ મળવાની શક્યતા છે. આ ઉપરાંત રાષ્ટ્રીય રાજમાર્ગ-૩૫૧ના બગસરા-વડિયા-જેતપુર માર્ગ માટે રૂ. ૩૭૭.૩૬ કરોડની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટથી અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોને વધુ સારી રાષ્ટ્રીય રાજમાર્ગ કનેક્ટિવિટી મળશે. સાથે સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારો વચ્ચેનું માર્ગ જોડાણ પણ વધુ સુદૃઢ બનશે. બંને પ્રોજેક્ટથી માર્ગ પરિવહન વ્યવસ્થા વધુ સુગમ બનવાની સાથે પ્રવાસનો સમય ઘટાડવામાં પણ મદદ મળશે. સાંસદ ભરતભાઈ સુતરિયાએ રાષ્ટ્રીય રાજમાર્ગના વિકાસ માટે સતત રજૂઆતો કરી હતી. તેમની સઘન રજૂઆતો બાદ હવે કરોડોની ફાળવણી સાથે આ મહત્વપૂર્ણ માર્ગ પ્રોજેક્ટને આગળ વધવાનો માર્ગ મોકળો થયો છે. અમરેલી લોકસભા મતવિસ્તારના માર્ગ વિકાસ માટે લાંબા સમયથી કરવામાં આવી રહેલા પ્રયાસોને આ મંજૂરીનું મહત્વપૂર્ણ પરિણામ માનવામાં આવી રહ્યુ છે. આ મહત્વપૂર્ણ મંજૂરી બદલ સાંસદ ભરતભાઈ સુતરિયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિનભાઈ ગડકરીનો આભાર વ્યક્ત કર્યો છે. અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્ગ વિકાસને નવી દિશા આપતી આ મંજૂરીથી આગામી સમયમાં માર્ગ જોડાણ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.





































