અમરેલી શહેરમાં સામાન્ય બાબતે ઉશ્કેરાઈ જઈ હુમલો કરવાના બનાવો વધી રહ્યા છે. અમરેલીમાં પોતાની દીકરીને શાળાએ મૂકીને પરત ફરી રહેલા એક પિતાએ જાહેરમાં માવો થૂંકનાર શખ્સને ટોકતા, બે શખ્સોએ પાઈપ અને ઢીકાપાટુ વડે હિંસક હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી હતી. વિનોદભાઇ કરશનભાઇ સોલંકી (ઉ.વ.૪૦)એ વિશાલભાઇ પંચાળા તથા અમિતભાઇ પંચાળા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ પોતાની દીકરીને બહારપરા કન્યાશાળાએ મૂકીને મોટરસાયકલ પર પરત આવી રહ્યા હતા. દરમિયાન સંજય કિરાણા સ્ટોર પાસે તેમણે પોતાની મોટરસાયકલ ઊભી રાખી હતી. આ સમયે ત્યાં ઉભેલા આરોપીએ માવો ખાઈને થૂંકતા, તેની છાંટો તેમના પર ઉડ્‌યો હતો. જેથી તેમણે ‘મારા પર કેમ થૂંકો છો?’ તેમ કહી વિરોધ દર્શાવતા જ બંને આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી શરૂ કરી હતી. બોલાચાલી દરમિયાન આરોપીઓએ ઉશ્કેરાઈને ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો. આટલેથી ન અટકતા લોખંડના પાઈપ વડે ફરિયાદીના માથાના ભાગે અને ગાલ પર જોરદાર ઘા ઝીંકી દીધા હતા. આ હુમલાને કારણે તેમને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના કપાળના ભાગે ચાર ને ગાલ પર એક ટાંકો આવ્યો હતો. હુમલો કર્યા બાદ આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ અમીતભાઇ પ્રવિણભાઇ પંચાળા (ઉ.વ.૨૫)એ વિનોદભાઇ કરશનભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ સંજય કીરાણા સ્ટોરે માવા ખાતા હતા ત્યારે આરોપી પોતાની મો.સા. લઇને ત્યાં ઉભા રહ્યા હતા. તેઓ માવો ખાઇને થુંક્યા ત્યારે આરોપીએ મારા ઉપર શું કામ થુકો છો તેમ કહ્યું હતું. જેથી તેમણે હું ક્યાં તમારી માથે થુંક્યો અને તમને કયાં મારું થુંક ઉડ્‌યુ તેમ કહેતા સારુ નહોતું લાગ્યું અને ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટુ વડે માર મારી, ઇટના કટકા વડે મારમારી, જેમફાવે તેમ ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જાહેરમાં માવો થૂંકવા જેવી ક્ષુલ્લક બાબતે થયેલા આ હુમલાએ પંથકમાં ચકચાર જગાવી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.બી.સૈયદ વધુ તપાસ કરી રહ્યા છે.