અમરેલી શહેરના બહુમાળી ભવન સ્થિત સિંચાઈ વિભાગની કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ છટકો ગોઠવી જુનિયર ક્લાર્ક સહિત બે કર્મચારીઓને રૂ.૫૧,૦૦૦ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધા હતા.પ્રાપ્ત વિગતો મુજબ, ‘દ્વારકાધીશ ઇન્ફ્રા’ કન્સ્ટ્રક્શન કંપનીને વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન સિંચાઈ વિભાગનાં વિવિધ કામોના વર્ક ઓર્ડર મળ્યા હતા. કામગીરી પૂર્ણ થયા બાદ બાકી બિલ અને મટીરિયલ ટેસ્ટિંગનાં નાણાં મંજૂર કરવાના બદલામાં અગાઉ ચૂકવાયેલી રકમના એક ટકા લેખે લાંચ માગવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.ફરિયાદના આધારે ૨૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ACBએ છટકો ગોઠવ્યો હતો. જેમાં જુનિયર ક્લાર્ક રાકેશ ભટ્ટ અને કરાર આધારિત પટ્ટાવાળા જયદીપ હરિયાણી ઝડપાયા હતા. ACB પીઆઈ ડી.બી. ડાભી અને તેમની ટીમે લાંચની રકમ કબજે કરી બંને સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.