લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઈન દ્વારા પ્રમુખ લા. બકુલભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ, સંસ્થા દ્વારા દત્તક લેવાયેલી રોકડીયા પરા હનુમાન પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૮ માં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તમામ બાળકોને પૌષ્ટિક નાસ્તો કરાવાયો હતો. શાળા પરિવાર દ્વારા લાયન્સ ક્લબના સભ્યોનું શાલ ઓઢાડી બહુમાન કરાયું હતું, જ્યારે સભ્યોએ પ્રાસંગિક પ્રવચનો આપી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું. કાર્યક્રમ દરમિયાન આગામી પ્રમુખ લા. જતીનભાઈ સુખડીયાનું પણ વિશેષ સન્માન કરી, વધુ બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરે તેવો સૂર વ્યક્ત કરાયો હતો. આ સફળ આયોજનમાં લાયન્સ ક્લબના હોદ્દેદારો-સભ્યો, શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ આચાર્ય, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.