અમરેલીના રોકડિયાપરા વિસ્તારમાં બાળકોમાં નૈતિક મૂલ્યો અને સારા સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી સંગમ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સ્વામી વિવેકાનંદ સંસ્કાર કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટની ટીમના સર્વેમાં વિસ્તારમાં વ્યસનનું પ્રમાણ વધુ હોવાનું ધ્યાનમાં આવતા બાળકોને કુસંગત અને વ્યસનથી દૂર રાખવા કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ સેવક વિવેકભાઈ તળાવીયા, રાજુભાઈ વઘાસિયા સહિત સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભૌતિકભાઈ અરવિંદભાઈ તળાવીયાના પુત્રના પ્રથમ જન્મદિવસની ઉજવણી કોઈ ભપકાદાર હોટલમાં કરવાને બદલે આર્થિક અને સામાજિક રીતે પછાત વિસ્તારના જરૂરિયાતમંદ બાળકો સાથે કરવામાં આવી હતી. બાળકોને નાસ્તો કરાવી ગીત-સંગીત અને આનંદ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ટ્રસ્ટની આ સેવાકીય પહેલને સ્થાનિક રહીશોએ બિરદાવી હતી.