અમરેલીના ચાંદગઢ ગામે બાવળ કાપવાની ના પાડી ધમકી આપી માર મારવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પ્રતિકભાઇ આશિષભાઈ રાવલ (ઉં.વ. ૩૨)એ રમેશભાઇ કોળી, રાજેન્દ્રભાઇ ખુમાણ તથા બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, પ્રતિકભાઈની વાડીએ તેમના મજૂરો શેઢા ઉપરથી બાવળ કાપતા હતા. તે સમયે રમેશભાઈ કોળી તથા બે અજાણ્યા ઈસમોએ મજૂરોને બાવળ કાપવાની ના પાડી ધમકી આપી હતી.આથી પ્રતિકભાઈ ચાંદગઢ ગામે ગયા હતા અને મજૂરોને સાથે રાખી રમેશભાઈ કોળીના ઘરે જઈ ધમકી આપવા બાબતે પૂછપરછ કરી હતી. આ સમયે અચાનક કુહાડીનો એક ઘા તેમના માથાના પાછળના ભાગે મારવામાં આવ્યો હતો, તેમજ બે અજાણ્યા ઇસમોએ લાકડાના ધોકા વડે તેમના જમણા પગે તથા મજૂરોને શરીરે માર માર્યો હતો. ચારેય આરોપીઓએ તેમને તથા તેમના મજૂરોને ગાળો આપી જાનથી મારી
નાખવાની ધમકી આપી હતી. આ અંગે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. જે. ગોંડલીયા વધુ તપાસ કરી રહ્યા છે.








































