અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા મોબાઈલ શો-રૂમમાં સ્ટોર મેનેજર તરીકે ફરજ બજાવતા શખસે દુકાન માલિક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મેનેજરે પોતાની સત્તાનો દુરુપયોગ કરી શો-રૂમમાંથી અંદાજે ૨૦.૭૦ લાખ રૂપિયાની માતબર રકમની ઉચાપત કરી છે. કસ્ટમરને વેચેલા કિંમતી મોબાઈલના નાણાં જમા ન કરાવી બારોબાર સગેવગે કરી દેનાર મેનેજર સામે બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મેમનગરના રહેવાસી મનીષ ગહેલોતે ૧૫ જુલાઈ ૨૦૨૫ના રોજ શેલા ખાતે આ શો-રૂમ શરૂ કર્યો હતો અને સ્થાનિક જય જાષીને સ્ટોર મેનેજર તરીકેની તમામ જવાબદારી સોંપી હતી. ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ કંપનીની હેડ ઓફિસથી ઓડિટ દરમિયાન મનીષને જાણ કરવામાં આવી હતી કે તેના હિસાબમાં ૬.૨૦ લાખ રૂપિયાનું બેન્કિંગ શોર્ટ બોલે છે. આ અંગે પૂછપરછ કરાતાં મેનેજર જયે બે દિવસમાં રકમ જમા કરાવી દેવાની બાંહેધરી આપી હતી. પરંતુ બીજી ઓક્ટોબરના સુધી નાણાં જમા ન થતાં રૂબરૂ તપાસ હાથ ધરવામાં આવી હતી.દુકાન માલિક અને હેડ ઓફિસ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં ઘટસ્ફોટ થયો હતો. મેનેજર જય જાષીએ કંપનીની જાણ બહાર સ્ટોકમાંથી કુલ ૧૬ કિંમતી સ્માર્ટફોન બારોબાર વેચી મારીને ૧૪.૪૯ લાખ રૂપિયા પણ ચાંઉ કરી લીધા હતા. આમ, રોકડા ૬.૨૦ લાખ રૂપિયા અને મોબાઈલ ફોનની કિંમત ૧૪.૪૯ લાખ રૂપિયા મળીને કુલ ૨૦.૭૦ લાખ રૂપિયાની અંગત સ્વાર્થ માટે ઉચાપત કરી હોવાનું સ્પષ્ટ થયું હતું.માલિકના વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી મોટું આર્થિક નુકસાન પહોંચાડવા બદલ મનીષ ગહેલોતે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મેનેજર જય જાષી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરવા તેમજ આ કૌભાંડમાં અન્ય કોઈ શખસની સંડોવણી છે કે કેમ તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.