ચોરવાડ ગામની ૧૯ વર્ષીય ઉભરતી સ્પ્રિન્ટર કાજલ વાજાએ હોંગકોંગમાં યોજાયેલી ૨૧મી એશિયન અંડર-૨૦ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની મહિલા રિલે સ્પર્ધામાં ભારતને રજત ચંદ્રક અપાવ્યો છે. ભારતીય ટીમે ૪૫.૦૫ સેકન્ડનો સમય નોંધી જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો. ખેત મજૂરી કરતા પિતાની પુત્રી કાજલે આ સ્પર્ધા માટે ધોરણ-૧૨માં એક વર્ષનો ડ્રોપ લઈ સખત તાલીમ મેળવી હતી.વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૩ દરમિયાન કોડીનારની સોમનાથ એકેડેમી ડી.એલ.એસ.એસ. શાળામાં રમતગમતના પાઠ શીખનાર કાજલ હાલ નડિયાદ હાઈ-પરફોર્મન્સ સેન્ટરમાં તાલીમ મેળવે છે. આ અગાઉ તેણીએ ૨૦૨૫માં દક્ષિણ એશિયન ચેમ્પિયનશિપમાં રજત અને ભુવનેશ્વરમાં ૬૦ મીટર દોડમાં રાષ્ટ્રીય રેકોર્ડ સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.








































