દીવથી પરત ફરી રહેલા મહુવાના પાંચ પ્રવાસીઓનો આબાદ બચાવ, વિસ્તારમાં વીજ પુરવઠો
ખોરવાયો દીવથી મહુવા પરત ફરી રહેલા પાંચ પ્રવાસીઓની કારને ઉના-દેલવાડા રોડ પર માતંગી હોટેલ નજીક અકસ્માત નડ્યો હતો. બપોરના સમયે રસ્તા પર અચાનક ભૂંડ આડું ઉતરતાં તેને બચાવવાના પ્રયાસમાં ચાલકે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. આથી કાર રોડ નજીક આવેલા વીજ સબસ્ટેશનના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી.
કાર અથડાતાં જ વીજ વાયરો તૂટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તારની વીજળી ગુલ થઈ ગઈ હતી.
સદનસીબે, કારમાં સવાર તમામ પ્રવાસીઓએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં PGVCL અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વાહનને બહાર કાઢી વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો. જાનહાનિ ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.









































